પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો છે કે, ભારતમાં સત્તાધારી ભાજપનું વલણ ’મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી’ છે. આશા છે કે આવતા વર્ષે ભારતમાં યોજાનારી સામાન્ય ચૂંટણી બાદ અટકી ગયેલી દ્વીપક્ષીય વાટાઘાટો ફરીથી શરૂ થશે. ખાને જણાવ્યું કે, તેમની સરકાર ૨૦૦૮ના મુંબઈ હુમલાના કાવતરાખોરોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માગે છે અને આ બાબત પાકિસ્તાનના હિતમાં પણ છે. ગુરૂવારે ’વોશિંગટન પોસ્ટ’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને જણાવ્યું કે, “ભારતમાં હવે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. (ભારતના) સત્તામાં રહેલા પક્ષનું વલણ મુસ્લિમ વિરોધી અને પાકિસ્તાન વિરોધી છે. તેમણે મારી પહેલને ફગાવી દીધી છે…. આશા રાખીએ કે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ અમે ફરીથી ભારત સાથે દ્વીપક્ષીય વાટાઘાટો શરૂ કરી શકીશું. ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે, વાટાઘાટો અને આતંકવાદ એકસાથે ચાલી શકે નહીં.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટોનો ત્યાં સુધી ઈનકા કર્યો છે જ્યાં સુધી તે ભારત વિરુદ્ધ સરહદ પારની આતંકવાદી ગતિવિધિઓ બંધ નહીં કરે.