દિલ્હીમાં લગનમાં મોટા પ્રમાણમાં અન્ન અને પાણીનો બગાડ થતો હોવા વચ્ચે સુપ્રીમ કૉર્ટે એમ જણાવતાં અહેવાલને ટાંક્યો હતો તાજેતરમાં જ દિલ્હીમાં ત્રણ છોકરી ભૂખને કારણે મૃત્યુ પામી હતી અને દિલ્હીના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દાને સરકાર કઈ રીતે હાથ ધરવા માગે છે એની જાણકારી સુપ્રીમ કૉર્ટે માગી હતી. જ્યાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે તે મૉટેલ્સ અને ફાર્મહાઉસના માલિકોના વ્યાવસાયિક હિતોને જનહિત કરતા વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એ બાબત ખૂબ જ દુઃખદ અને ખેદજનક હોવાનાં સંકેત આપે છે, એમ કૉર્ટે કહ્યું હતું.
ન્યાયાધીશ મદન બી. લોકુરના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે સમય આવી ગયો છે કે દિલ્હીનું વહીવટીતંત્ર મૉટેલ્સ અને ફાર્મહાઉસના માલિકોના વ્યાવસાયિક હિતોને બદલે જનહિત વધુ મહત્ત્વ આપે. ન્યાયાધીશ દીપક ગુપ્તા અને હેમંત ગુપ્તાનો પણ સમાવેશ કરતી ખંડપીઠે દિલ્હીના મુખ્ય સચિવને ૧૧ ડિસેમ્બરે તેમની સમક્ષ હાજર રહેવા જણાવ્યું હતું જેથી કરીને ખંડપીઠ આ મામલે યોગ્ય આદેશ આપી શકે. બ્લૂ સેફાયર મૉટેલ સંબંધિત કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠને જાણકારી આપવામાં આવી હતી કે દિલ્હીમાં અંદાજે ૩૦૦ જેટલા લગ્નના હૉલ છે, પરંતુ લગ્નની મોસમમાં એક જ દિવસમાં ૩૦૦૦૦થી ૫૦૦૦૦ જેટલા લગ્ન થાય છે. મૉટેલ વતી ઉપસ્થિત રહેલા વકીલે કહ્યું હતું કે અમારી પાસે એક લાખ લિટર પાણીનો સંગ્રહ કરી શકે તેવી અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી છે અને અગ્નિશમન દળે અમને તેની ક્ષમતા વધારીને ૧.૨૭ લાક લીટર કરવા જણાવ્યું છે. મૉટેલના માલિકોના વ્યાવસાયિક હિતો જનહિતથી ઊપર નથી એમ જણાવતાં કૉર્ટે કહ્યું હતું કે જો દરેક મૉટેલ આટલા બધા પાણીનો સંગ્રહ કરશે અને દિલ્હીવાસીઓને પાણી નહીં મળે તો શું કરવું? ૫૦૦૦૦ લગ્નમાં અન્ન અને પાણીનો કેટલો બગાડ થાય છે એ અમને જણાવો, એમ ખંડપીઠે કહ્યું હતું.