ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતાંજ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ પૂરતી રહી જતી હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારના રોજ મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર હાઈવે પરના ખોરજ પેટ્રોલ પંપ પાછળના ગોડાઉનમાંથી ૪ હજાર જેટલી દારૂની પેટીઓ પોલીસે જપ્ત કરી હોવાનુ જાણવા મળ્યુ છે. આ દારુની કિંમત અંદાજે એક કરોડ જેટલી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં દારુની હેરફેરના કિસ્સાઓ વધવા લાગ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાન બોર્ડર પરથી દારુનો જથ્થો જપ્ત કરાયો હોવાની ઘટના બાદ અમદાવાદના એસ જી હાઈ વે પરના ગોડાઉનમાંથી મોટી માત્રામાં દારુનો જથ્થો જપ્ત થતાં કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખુલ્લેઆમ દારૂની રેલમ છેલ થઈ રહી છે. આટલા મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
ચૂંટણી સંદર્ભે શહેરમાં સર્વેલન્સ ટીમો ગોઠવવામાં આવી છે તેમ છતાં ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં દારૂનો પ્રવેશ થઈ જાય છે અને કોઈને જાણ પણ થતી નથી તેના પાછળ અધિકારીઓ અને બુટલેગરોની મીલિભગત જણાઈ રહી છે.
અંદાજે ૧ કરોડની કિંમતના દારુના જથ્થા અંગે જાણવા મળતી વિગતોનુસાર અમદાવાદ ના સખેજ હાઈવે પર આવેલા ખોરજ પેટ્રોલ પંપ પાછળના ગોડાઉનમાં અડાલજ પોલીસે દરોડો પાડયો હતો ત્યારે ત્યાં હાજર લોકો ભાગી ગયા હતા.
પોલીસે તેમનો પીછો પણ કર્યો હતો. પરંતુ તેઓ પકડી શકાયા ન હોવાનું જાણવા મળ્યુ હતુ. જોકે પોલીસે આ ગોડાઉનમાં તપાસ કરતા ૪ હજાર જેટલી વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિમત અંદાજે એક કરોડથી વધુ થાય છે.