પૂર્વ ક્રિકેટર કપિલ દેવે સ્પોટ્ર્સ સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે આપણો દેશ રમતોને ગંભીરતાથી લેતો નથી પણ આપણે ઓલિમ્પિક મેડલની આશા લગાવી રાખીએ છીએ. કપિલે કહ્યું હતું કે જ્યાં સુધી માતા-પિતાની ઇચ્છા નહીં હોય કે બાળક સ્પોટ્ર્સમેન બને ત્યાં સુધી દેશને સારા ખેલાડી ક્યારેય મળી શકશે નહીં. ક્રિકેટ બોલને લઈને જારી વિવાદ પર કપિલે કહ્યું હતું કે આપણે બાકી દેશોમાં તેમના બોલથી રમીએ છીએ તો આપણે ત્યાં આપણા બોલથી રમવું જોઈએ. કપિલ દેવે કહ્યું હતું કે માતા-પિતા અંગ્રેજીના ટ્યૂશન માટે ૫૦૦૦ રુપિયા આપે છે પણ ક્રિકેટ કોચિંગ માટે ૧૦૦૦ રુપિયા આપવાથી અચકાય છે. આપણે સ્પોટ્ર્સને જોવામાં વિશ્વાસ રાખીએ છીએ રમવામાં આપણને વિશ્વાસ નથી. માતા-પિતા બાળકો સાથે આવે છે અને મારી પાસે ઇચ્છા રાખે છે કે તેમનો બાળક આઈપીએલ રમે, કારણ કે ત્યાં પૈસા છે. હવે કબડ્ડી જેવી રમતોમાં પણ પૈસા આવવાના શરુ થઈ ગયા છે. જેથી ફેરફાર થઈ રહ્યો છે. તેને એવી રીતે સમજો કે દેશમાં કેટલી એન્જીનિયરિંગની કોલેજ છે અને કેટલી સ્પોટ્ર્સ એકેડમી છે? યૂરોપ કે અમેરિકાની વાત કરવામાં આવે તો જો બાળક જૂનિયર્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરે તો માતા-પિતા સ્કૂલમાં તેને ઇયર ડ્રોપ કરવાથી મનાઈ કરતા નથી પણ ભારતમાં કોઈ આવું વિચારી પણ શકે નહીં. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની જીતની તકો વિશે કપિલ દેવે કહ્યું હતું કે ક્યાંય પણ જીતવા માટે જવું જોઈએ. જોકે પરાજય થાય તો પણ તેને દિલ ઉપર લેવું જોઈએ નહીં.