જનવિકલ્પ પાર્ટીના પ્રવક્તા પાર્થેશ પટેલે જણાવ્યું કે લોકોએ પસંદ કરેલા જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે પરંતુ ભાજપ અને કોંગ્રેસમાં ટિકીટોની વહેંચણીને લઈને જે તમાશાઓ થઇ રહ્યા છે તે સમગ્ર ગુજરાતની પ્રજા જોઈ રહી છે.
ભાજપ પણ કોંગ્રેસની જેમ પરિવારવાદના માર્ગે બુલેટગતિએ આગળ વધી રહી છે. ભાજપે કનોડિયા પરિવારમાં મહેશ કનોડિયા-નરેશ કનોડિયા બાદ હવે હિતુ કનોડીયાને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના ભોગે ઇડરની બેઠક ફાળવી છે. એક સંસદના પુત્રવધુને ટીકીટ આપી છે. ખાડિયામાં ફરીથી પૂત્રને ટીકીટ આપી છે. દહેગામમાં પૂર્વ ધારાસભ્ય કલ્યાણસિંહ ચૌહાણના પુત્ર બલરાજસિંહણે ટીકીટ આપી છે. નરોડામાં પણ પૂર્વ ધારાસભ્યના પુત્ર બલરામ થાવાણીને ટીકીટ આપી છે. મહુવા- ભાવનગરમાં ભાજપે સીટીંગ ધારાસભ્ય ભાવના મકવાણાના સ્થાને તેમના પતિને ટીકીટ આપી છે. આમ ભાજપે પણ પરિવારવાદને પ્રોત્સાહન આપીને પુરવાર કર્યું છે કે તેનામાં અને કોંગેસમાં જરાયે ફેર નથી.
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીનું હાઈકમાન્ડ સાંસદની ધમકી આગળ ઘૂંટણીયે પડી જાય તે કોંગ્રેસીકરણની નિશાની છે. કોંગ્રેસમાં તો ઉમેદવારોને ફોન કરીને ઉમેદવારી નોંધાવવા કહેવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ છે ત્યારે જનવિકલ્પ પાર્ટીના ઉમેદવારોની પસંદગી સામે કોઈ વાદ-વિવાદ સર્જાયો નથી. કેમ કે આ ઉમેદવારો પાર્ટીએ નહિ પણ અમારી પાર્ટીના જે હાઈકમાન્ડ છે તે પ્રજાએ નક્કી કરેલા છે. પ્રજાએ પાર્ટીને કહ્યું કે આ અમારા જન ઉમેદવાર છે તેને ટીકીટ આપો અને પ્રજા મારી હાઈકમાન્ડમાં માનતા અમારા પ્રણેતા શંકરસિંહ વાઘેલાએ એ ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે.
પ્રજાએ નક્કી કરેલા ઉમેદવારોને કોઈ હરાવી શકે તેમ નથી કેમ કે તેમને ભાજપ અને કોંગેસની જેમ ઉપરથી ઠોકો બેસાડવામાં આવ્યા નથી. ભાજપનું પણ હવે કોંગ્રેસીકરણ થઇ રહ્યું છે.