ગુજરાતની જનતા માટે ચિંતાના સમાચાર કહી શકાય તેવા આ ન્યૂઝ છે. આ વર્ષે પડેલા સાધારણ વરસાદને કારણે રાજ્યમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યના ૨૦૪ જળાશયમાંથી ૮૩ જળાશયોમાં ૧૦ ટકાથી પણ ઓછી પાણીની સપાટી છે. તો કચ્છના જળાશયોમાં માત્ર ૧૧.૪૨ ટકા પાણી બચ્યું છે. હજુ તો શિયાળાની શરૂઆત જ થઈ છે ત્યારે રાજ્યના ૩૪ જળાશયો અત્યારથી તળિયાઝાટક થઈ ગયા છે. સરદાર સરોવરની વાત કરીએ તો ૬૨ ટકા જળસ્તર નોંધાયું છે.
કયા જળાશયોમાં પાણીની શું સપાટી છે તેના પર નજર કરીએ તો, ૧૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણી છે. જ્યારે કે ૧૩ જળાશયોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો બાકી છે. આ સિવાય ૧૦ જળાશયોમાં ૭૦થી ૮૦ ટકા પાણી છે. તો ૧૬૬ જળાશયોમાં ૭૦ ટકાથી ઓછું પાણી રહ્યુ છે. હજુ તો માત્ર શિયાળાની શરૂઆત થઈ છે, ત્યારે જ જળાશયોમાં ૫૦ ટકા જેટલું પાણી બાકી રહેતાં ગુજરાતમાં જળસંકટની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હાલ જ પાણીની આવી સ્થિતિ છે, તો ઉનાળામાં શું થશે તેની ચિંતા છે. આવનાર ઉનાળામાં પાણીના સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બનાસકાંઠામાં પણ દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમ આવેલા છે. આ ત્રણેય ડેમમાં પાણી તળીયા ઝાટક છે, ત્યારે બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગુજરાતના જળાશયોમા જેટલુ પાણી બચ્યું છે, તેટલુ હવે આગામી ચોમાસા સુધી વાપરવું પડશે. જેમાં ખેતી માટેનું પાણી પણ સામેલ છે.