માણસામાં ખરીદ સેન્ટરનો શુક્રવારે પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મગફળીની આવક જોવા મળતા ૮૦૦ ક્વિન્ટલ જથ્થો ખરીદાયો હતો. તાલુકાના ખેડૂતોને મગફળી વેચવા અન્ય જગ્યાએ ન જવું પડતા ખુશી જોવા મળી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદવા માટે મણદીઠ ૧૦૮૦નો ટેકાનો ભાવ નક્કી કરી ભારત કપાસ નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોનો માલ ખરીદવા માટેની પ્રક્રિયા શરૂ થઈ હતી.
પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી દ્વારા આ બાબતે સરકારનું ધ્યાન દોરાતાં માણસામાં ખરીદી કેન્દ્રને મંજૂરી મળતા શુક્રવારે એપીએમસી ચેરમેન રમણભાઈ પટેલ પૂર્વ ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, બી. કે. પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં અમિત ચૌધરીના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે જ ૪૨,૪૪૩ કિલો એટલે કે ૨,૧૨૨ મણ પચીસ ખેડૂતોનો જથ્થો ખરીદી કરવામાં આવ્યો હતો તો આજે બીજા દિવસે પણ બપોર સુધીમાં આશરે ૧૮૦૦ મણથી વધુ જથ્થો ખરીદી કરવામાં આવ્યો હતો.
ભૂતકાળમાં મગફળી કાંડની બનેલી ઘટનાને પગલે સરકાર દ્વારા સાવચેતી સાથે માત્ર જીણી નહીં તેવી તમામ પ્રકારની મગફળીનો જથ્થો ચકાસણી કરી અને ખરીદવામાં આવી રહ્યો છે. ત્યારે માણસા સેન્ટર પર ગોડાઉન મેનેજર બિમલ નાયક, વિસ્તરણ અધિકારી ડાહ્યાભાઈ ચૌધરી અને મામલતદાર કચેરીના અધિકારી ડૉક્ટર ધર્મિષ્ઠાબેન કનુભાઈ પૂર્ણ સમય સુધી તમામ પ્રકારની ચકાસણી પર નજર રાખી રહ્યા છે.