રાજસ્થાનના વિદાય લઈ રહેલા મુખ્યમંત્રી વસુંધરા રાજેને લઈને પૂર્વ કેન્દ્રિય મંત્રી શરદ યાદવે તાજેતરમાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. યાદવે હવે તેમની ટિપ્પણી બદલ માફી માગી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ વસુંધરા રાજેને પણ આ અંગે પત્ર લખશે.શનિવારે મીડિયા સાથે વાતચીતમાં યાદવે જણાવ્યું કે, ‘મે તેમનું (વસુંધરા રાજે) નિવેદન સાંભળ્યું. મારે તેમની સાથે ઘણા જૂના પારિવારિક સંબંધો છે. જો મારા શબ્દોથી તેમની લાગણી દુભાઈ હોય તો હું મારા નિવેદન બદલ ખેદ વ્યક્ત કરું છું. હું તેમને પત્ર પણ લખીશ.’
ઉલ્લેખનીય છે કે અલવરની મુંડાવર બેઠક પર કોંગ્રેસ સાથે ગઠબંધનના એક ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં શરદ યાદવે વસુંધરા રાજે વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી.
શરદ યાદવે કહ્યું હતું કે, ‘વસુંધરાને આરામ કરવા દો તેઓ બહુ થાકી ગયા છે. ઘણા જાડા થઈ ગયા છે.’ શરદ પવારના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો જેની આકરી ટિકા થઈ હતી.