ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ગૌહત્યાના બનાવ બાદ ભડકી ઉઠેલી હિંસાના મામલે ચાલી રહેલી તપાસમાં મોટી સફળતા આજે હાથ લાગી હતી. આ મામલામાં મુખ્ય આરોપી તરીકે રહેલા સેનાના જવાનની જમ્મુ-કાશ્મીરમાં અટકાયત કરી લેવામાં આવી છે. આની ઓળખ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ ફોજી તરીકે કરવામાં આવી છે. તે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતો. ભીડની હિંસામાં પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યાના મામલામાં આ જવાન મુખ્ય શકમંદ તરીકે હતો. જીતુ ફોજી તરીકે ઓળખાયેલા જીતેન્દ્ર મલિકની ઉત્તરપ્રદેશ પોલીસની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના સોપોરે શહેરમાંથી ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.
જોકે આર્મી અને પોલીસે હજુ સુધી આ અહેવાલને સમર્થન આપ્યું નથી. જીતુ ફોજી શ્રીનગરમાં ૧૫ દિવસની રજા ઉપર બુલંદશેર આવ્યો હતો. પોતાના વતનમાં આવ્યો ત્યારે જ ઉત્તરપ્રદેશમના બુલંદશહેરમાં આ હિંસા ભડકી ઉઠી હતી. જુદા જુદા વીડિયોમાં તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા અને હિંસામાં એક નાગરિકના મોત બાદ તે સોપોરે ફરાર થઈ ગયો હતો. હવે પોલીસની ટીમ જીતુ ફોજીએ ગોળીબાર કર્યો હતો કે તેમ તેને લઈને તપાસ હાથ ધરી છે.
ઈન્સ્પેક્ટર સુબોધકુમાર અને તેમની ટીમ હિંસાને કાબુમાં લેવા માટે પહોંચી હતી. વીડિયોમાં તોફાની ટોળાને પોલીસ જવાનનો પીછો કરતા જોઈ શકાય છે. તિક્ષ્ણ હથિયારથી સિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં હજુ સુધી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ગામ નજીક ખેતરમાં ગૌવંશ હત્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી.હિંસાના મામલામાં નોંધવામાં આવેલી એફઆઇઆરમાં આરોપી નંબર ૧૧ તરીકે દર્શાવવામાં આવેલા એક શખ્સનુ નામ જીતુ ફોજી સપાટી પર આવતા ખળળભાટ મચી ગયો હતો. આ શખ્સનુ નામ સપાટી પર આવતા હવે હિંસાના મામલામાં નવો વળાંક આવ્યો હતા. આરોપીની ઓળખ જીતેન્દ્ર સિંહ ઉર્ફે જીતુ ફૌજી તરીકે થઇ હતી. મામલાની તપાસ માટે રચવામાં આવેલી સમિતિએ એવો દાવો કર્યો છે કે આરોપીઓ અને સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. અગાઉ ઈન્સ્પેક્ટર સુબોધસિંહની હત્યામાં સામેલ આરોપી જવાનની શોધખોળ માટે જમ્મુ-કાશ્મીર પોલીસની ટુકડી પહોંચી હતી. ભારતીય સેનાએ પણ સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પહેલાથી જ આપી હતી. ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસા બાદ હજુ સ્થિતી વિસ્ફોટક રહી છે. પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી કેટલાક લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૮૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પોલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે.
ઘટનાના ગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યો હતો. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ છે જ્યારે અન્ય ૬૦ લોકો વણઓળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે.