એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમે તેની સ્થિતિ અતિમજબૂત બનાવી લીધી છે. ભારતે આ મજબૂત સ્થિતિ મેળવી લેવામાં ટોપ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ ચાવીરુપ ભૂમિકા ભજવી છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૧૨૪ અને બીજી ઇનિંગ્સમાં ૭૧ રન કર્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે ચાર વિકેટ ૪૧ રનમાં ગુમાવી દીધી હતી ત્યારે પુજારા મેદાનમાં આવ્યો હતો. ત્યારબાદ નિચલા ક્રમના બેટ્સમેનો સાથે મળીને તે સ્કોરને ૨૫૦ સુધી પહોંચાડવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં પુજારાએ ૪૫૦ બોલનો સામનો કર્યો છે. આની સાથે જ તે ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલનો સામનો કરનાર ભારતીય બેટ્સમેનોની યાદીમાં પાંચમાં સ્થાને આવી ગયો છે. પુજારાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૪૬ અને બીજી ઇનિંગ્સમાં ૨૦૪ બોલનો સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ભારત માટે એક ટેસ્ટ મેચમાં સૌથી વધારે બોલનો સામનો કરનાર બેટ્સમેનની વાત કરવામાં આવે તો વિજય હજારે ટોપ ઉપર છે. ૧૯૪૮માં એડિલેડમાં રમાયેલી ટેસ્ટ મેચમાં હઝારેએ પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૩ બોલનો સામનો કર્યો હતો અને ૧૧૬ રન બનાવ્યા હતા.