રાજકોટના વેપારીએ નાફેડ હસ્તકના ગોડાઉનમાંથી ખરીદેલ ૩૫ ટન તુવેરના જથ્થામાં ઢેફા, જીવાત નીકળવા સાથે થયેલ ગોલમાલ પ્રકરણમાં જૂનાગઢ જિલ્લા કલેકટરે તપાસના આદેશો આપ્યા છે. દરમિયાનમાં આ પ્રકરણમાં માણાવદર ખાતેનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
આ પ્રકરણની વિગત મુજબ રાજકોટના દીપક નથવાણી નામના વેપારીએ નાફેડ હસ્તકના માણાવદરના કુલદીપ જીનીગ ખાતેથી ૮૫ ટન જેટલો તુવેરનો જથ્થો ઓનલાઈન ખરીદયો હતો. બાદમાં ૧૫ દિવસ બાદ તુવેરની રૂબરૂ ચકાસણી કરી તેણે રૂ.૩૫ લાખનું પેમેન્ટ પણ કરી દીધું હતું,
પરંતુ તુવેરનો જથ્થો ઉપાડવા ગયા ત્યારે તેમાં કાંકરા, ઢેફા અને જીવાતો જોવા મળ્યા હતા. આ અંગે નાફેડના અધિકારીઓને પુરતા તમામ પુરાવા વેપારીએ આપતા ગોલમાલ સામે આવી હતી. બાદમાં નાફેડ દ્વારા વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ પણ સંબંધિતોને સુચનાઓ આપી સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે અને માણાવદર ખાતેનું આ ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.
આ સમગ્ર મામલે વેપારી દીપકભાઈ નથવાણીએ કહ્યું હતું કે તુવેરમાં માટી અને કાંકરા હોવાથી પ્રોસેસીગ માટેના મશીનોને નુકસાન થાય છે. નબળો માલ અને કચરો નીકળી જવાથી વજન ઘટી જતા મોટી નુકસાની સહન કરવી પડે છે ત્યારે પોતે નાફેડના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સારો માલ આપવા અથવા રિફંડ આપવાની ખાત્રી આપવામાં આવી હતી.