પાટણ જિલ્લામાં કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જિલ્લામાં અનેક કેનલોમાં ગાબડું પડતા કેનાલોનો ભ્રષ્ટચાર વારંવાર છતો થઈ રહ્યો છે. પરંતુ સરકારી બાબુઓ દ્વારા એક પણ સ્ટેટમેન્ટ આ બાબતમાં આપવા તૈયાર નથી. જે પણ એજન્સીઓને વારંવાર કામો અપાયા હશે તેમણે હલકી ગુણવત્તાની કામગીરીની આ કેનાલો વારંવાર સાબિત થઈ રહી છે.
અને તેના કારણે અછતગ્રસ્ત રાધનપુર અને સાંતલપુર સમીની અનેક કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. છતાં પણ આવી ભ્રષ્ટ કામગીરી કરનાર સામે કેમ પગલાં લેવાતા નથી. કેનાલોની સાફ સફાઈના નામે લાખો રૂપિયાના મસમોટા બિલો ઉધારી દેવામાં આવ્યા હશે. પરંતુ સફાઈ માત્ર કાગળ પરજ જોવા મળી હોય તેમ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે.
વઢિયાર પંથકના ખેડૂતો માટે અત્યારે એક જીવાદોરી હોયતો તે છે કેનાલોમાં છોડાયેલા સિંચાઈ માટે ના પાણી. પરંતુ મોંઘાભાવના બિયારણો અને ખેળખાતર પાછળનો ખર્ચ કરી રવીપાક માટે વાવેતર કરી બેઠા છે. ત્યારે આ નબળી કેનાલો તૂટતાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઇ છે. આવી એજન્સીઓ પર કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે.
પરંતુ ભ્રષ્ટ કામગીરી કરનારાઓ સામે આ સરકાર ક્યારે લાલ આંખ કરશે તે જોવું રહ્યું. ત્યારે બીજી બાજુ કેનાલોમાં ગબડાઓ પડવાથી તેના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના ખેતરોમાં વાવેલ રવીપાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જેમાં એરંડા, રાયડો તેમજ જીરાના પાકને વ્યાપક નુકસાન થવાથી ખેડૂતો બેહાલ થયા છે. ત્યારે સત્વરે આવી હલકી ગુણવત્તા વાળી કેનાલોમાં યોગ્ય કામગીરી કરાય તેવી ખેડૂતોની માંગ વર્તાઈ છે.