ગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં, ૫૦%ને તાળા લાગ્યા

860

ગુજરાતમાં ૪ લાખ નાના અને મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં છે, આ સ્થિતિને પગલે બેરોજગારીમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યના નાના ઉદ્યોગોને નાણા-ધિરાણ મળતું નથી અને છેલ્લા ૭ માસમાં લઘુ ઉદ્યોગોને અપાતા ધિરાણમાં ૧૦%નો ઘટાડો થયો છ. બીજી તરફ બેંકોના અબજો રૃપિયા ડુબાડનારા વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓને સેઇફ પેસેજ આપીને ભગાડી દેવાય છે તેવો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું કે, ’રાજ્યમાં બેરોજગારી સતત વધી રહી છે તેના મુખ્ય કારણો પૈકી રાજ્યમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૫૦% ઉદ્યોગો બંધ છે. ગુજરાતમાં ૨૦૨ જીઆઇડીસી છે. પરંતુ ભાજપ સરકારની નાના-મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિને કારમે માત્ર ૧૦૨ જીઆઇડીસી કાર્યરત્‌ છે જ્યારે બાકીની બંધ હાલતમાં છે. ભાજપના છેલ્લા ૧૫ વર્ષના શાસનમાં માત્ર બે જીઆઇડીસી બની છે. રાજ્યમાં બચતના ૨૨% ધિરાણ પણ મળતું નથી. હજારો કરોડનું ધિરાણ લેનારા મોટા ઉદ્યોગોએ નાણા પરત નહીં કરતા લઘુ-નાના-મધ્યમ ઉદ્યોગો ધિરાણ વિનાના બિનઉત્પાદક થઇ ગયા છે.

વડાપ્રધાન મોદીએ ૧ કરોડ સુધીની લોન ૫૯ મિનિટમાં મંજૂર કરવાની જાહેરાત કરી, પરંતુ આ દાવો છેતરપીંડીવાળો સાબિત થયો છે. આ યોજનાથી માત્ર સર્વિસ પ્રોવાઇડર્સ કંપનીને જ કરોડો રૃપિયાનો ફાયદો થયો છે. સ્થાનિક કક્ષાએ રોજગારી નહીં મળતા બેરોજગારોની ફોજ વધતી જાય છે. વાયબ્રન્ટ સમિટમાં મોટા ઉદ્યોગગૃહોને આમંત્રણ આપવામાં આવે છે અને નાના-મધ્યમ ઉદ્યોગના પ્રતિનિધિઓને હાંસિયામાં ધકેલાતા હોય છે. અબજો-કરોડોની કંપનીઓ સરકારી લાભો લઇને બેઠી છે પરંતુ સ્થાનિક રોજગારી આપતી નથી તેની જ ભાજપ સરકાર ચિંતા કરે છે. હકિકતમાં રાજ્યમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રો ગુજરાતમાં નથી તે વિકસાવવા જોઇએ. નાના-મધ્યમ ઉદ્યોગોની ઉપેક્ષા કરવામાં આવશે ત્યાં સુધી બેરોજગારી પણ વધતી જશે. આગામી વાયબ્રન્ટ સમિટના પાર્ટનર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના આંકડા મુજબ રાજ્યના નાના-મધ્યમ ઉદ્યોગોની સ્થિતિ કથળેલી છે. ૨૦૦૮ની મંદી બાદ ૧૦ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે હીરાના કારખાનાઓમાં વેકેશન આગળ વધારવું પડ્‌યું હોય. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મંદીના પગલે છેલ્લા કેટલાક મહિનાઓમાં ચાર લાખથી વધુ હીરા કારીગરોની નોકરી ગઈ છે. બચેલા કેટલાક કારખાનાઓમાં પણ સ્થિતિ એવી બની છે કે વેકેશન આગળ ધપાવવું પડ્‌યું છે.

ગુજરાત રફ ડાયમન્ડને પોલીશ કરવાનું દુનિયાનું એક મુખ્ય હબ છે પરંતુ હવે આ ઉદ્યોગ ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. મોટાભાગના કારખાના બંધ થયા છે, એટલું જ નહીં જે ચાલે છે તેમાં પણ લાંબી રજાઓ જોવા મળી રહી છે.

વાત જાણે એમ છે કે હીરાના કારખાનાઓમાં દીવાળી વેકેશન ૨૮ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી હતું. પરંતુ ૩ ડિસેમ્બર વીતી ગઈ છતાં કારખાનાઓમાં તાળા લટકેલા જોવા મળી રહ્યાં છે. કહેવાય છે કે રજાઓ ૧૦ ડિસેમ્બરથી પણ આગળ વધી શકે છે. આટલી લાંબી રજાઓ છેલ્લા ૧૦ વર્ષમાં પહેલીવાર જોવા મળી છે. છેલ્લા ૧૦ વર્ષમાં પહેલીવાર એવું પણ જોવા મળી રહ્યું છે કે હીરાના કારીગરોને બોનસ ન મળ્યું હોય.

Previous articleઆહીર રેજીમેન્ટની માંગ સાથે આહીર યુવાનો વડાપ્રધાનને પ લાખ પોસ્ટકાર્ડ લખશે
Next articleબારી બહાર જુએ તો મનપા શૂન્ય સાથે નાપાસ