પાસ કાર્યકર અલ્પેશ કથીરિયા ૩ મહિનાના જેલવાસ બાદ જામીન પર મુક્ત થયા છે. જેલમુક્તિ સમયે અલ્પેશના પરીવારજનો, ધાર્મિક માલવિયા અને હાર્દિક પટેલ હાજર રહ્યા. આ સિવાય ખૂબ મોટી સંખ્યામાં પાસના આગેવાનો ઉમટ્યા. અલ્પેશનું પરીવારના સભ્યો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ. અલ્પેશની મુક્તિનાં થોડા જ સમયમાં હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. અલ્પેશ કથિરિયાના જેલમુક્ત બાદ પાટીદારોએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. અને રસ્તાઓ પર જય સરદાર-જય પાટીદારના નારા લગાવ્યા હતા.
અલ્પેશે ૩ મહિના અને ૨૦ દિવસ પછી જેલની બહાર આવ્યાં પછી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ’આમ તો ૬ મહિનાની મારી ગણતરી હતી પરંતુ સરકારે ખુબ વહેલી મુક્તિ કરી છે. મરાઠા સમાજને પણ આરક્ષણ મળ્યું છે ત્યારે અમારી લડાઇ પણ વેગવંતી બનશે.મારી વકીલોની ટીમ, પાસની સુરતની ટીમ, હાર્દિક પટેલ, સમગ્ર પાસની ટીમ અને હું ખુબ ખુબ આભાર માનું છુ તે સાથે સરકારનો પણ આભાર માનું છું. તેમણે ગુજરાતની ખુબ મોટી બે યુનિવર્સિટી સાબરમતી અને લાજપોરમાં મારું એડમિશન કરાવ્યું અને ખુબ અભ્યાસ કરવાનો મોકો આપ્યો તે બદલ હું ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ’આંદોલનમાં પોસ્ટર બોયની વાત નથી, સમાજ કહેશે તે પ્રમાણે નેતૃત્વ કરીશ. અલ્પેશે આગળ જણાવતા કહ્યું કે, આવનારા દિવસોમાં અમારી ટીમ અને સમાજ ભેગો થઇને આંદોલનને વેગવંતુ બનાવીશું. સરકારે કોઇ માંગણી નથી સ્વીકારવામાં આવી પરંતુ વકીલોએ આ માટે ઘણી મહેનત કરી છે અને કાયદાકીય રીતે હું બહાર આવ્યો છે. ૩ વર્ષથી અમારી મહેનત છે.તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાજનૈતિક પાર્ટીમાં જોડાશે કે નહીં તેનાં જવાબમાં કહ્યું કે, ’તે આવનારા દિવસોમાં ખબર પડશે.
અલ્પેશ જ પોસ્ટર બોય, તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચાલશેઃ હાર્દિક પટેલ
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ સમયે તેનું સ્વાગત કરવા હાર્દિક પટેલ લાજપોર જેલની બહાર પહોંચ્યો હતો. કથીરિયાનું સ્વાગત કર્યા બાદ હાર્દિકે જણાવ્યું હતું કે, અલ્પેશભાઈ જ પાટીદાર અનામત આંદોલનના નેતા છે, તેમના નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. અલ્પેશભાઈ અમારો મુખ્ય ચહેરો છે, તેઓ જે પ્રકારે આયોજન કરશે તે પ્રકારે ચાલીશું. જે નેતૃત્વને લોકો સ્વીકાર કરે તે નેતૃત્વમાં જ પાટીદાર આંદોલન ચાલશે. રોડ શોને મંજૂરી ન મળવાને લઈ હાર્દિકે કહ્યું કે, જ્યારે અમિત શાહનો રોડ શો બંગાળની સીએમ મમતા બેનર્જી રદ કરે તો તેઓ એમ કહે છે કે બંગાળ સરકાર ભાજપથી ડરે છે. તો અમને પણ એવું લાગે છે કે અમારા રોડ શોને મંજૂરી ન આપતાં ભાજપ પણ અમારાથી ડરે છે. આંદોલનના ચહેરાઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે પરંતુ જે પણ અલ્પેશભાઈ કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. અમારા પોસ્ટર બોય અલ્પેશભાઈ છે આંદોલનને કયા સ્તરે લઈ જવું તે તેઓ જ નક્કી કરશે.
આગામી સમયમાં મોટી રણનીતિ બનાવીને સરકાર વિરુદ્ધ કાર્યક્રમો કરીશું : લાલજી પટેલ
પાટીદાર સમાજે પણ અલ્પેશનું નેતૃત્વ સ્વીકાર્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ અલ્પેશના નેતૃત્વને આવકાર આપ્યો છે. તેમણે કહ્યુ કે, અનામત આંદોલન ટીમનો કેપ્ટન બદલાયો છે. કેપ્ટન બદલાવાથી ટીમને નવો જુસ્સો મળશે. એસપી ગ્રુપ પણ અલ્પેશ કથીરિયાની ટીમ સાથે જોડાશે. તેમણે આ સાથે જ હાર્દિક પટેલે લોકોનો વિશ્વાસ ખોયાનો આરોપ કર્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. હાર્દિક રાજકારણમાં જોડાશે તો સમાજ તેને ઉખાડશે.