સરકાર રામ મંદિર માટે કાયદો ઘડે : ભૈયાજી જોશી

741

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં વિહિપની રેલી યોજાઈ હતી. રામલીલા મેદાનમાં વિહિપના હજારો કાર્યકર એકત્રિત થયા હતા. દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમો મારફતે સંસદના શિયાળુ સત્રથી પહેલા મોદી સરકાર ઉપર રામ મંદિરને લઇને વટહુકમ લાવવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે. રામલીલા મેદાનમાં કાર્યકરોને સંબોધતા સંઘના સરકાર્યવાહક સુરેશ ભૈયાજી જોશીએ મોદી સરકારને અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, રામ મંદિરની ભીખ માંગવામાં આવી રહી નથી. સરકારને કાનૂન બનાવવાની જરૂર છે. સંઘના પ્રમુખ નેતા ભૈયાજી જોશીએ પોતાના ભાષણમાં સુપ્રીમ કોર્ટ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કોર્ટની પ્રતિષ્ઠા જળવાઇ તે પણ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ ઉપર સુનાવણી જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. ભૈયાજી જોશીએ કહ્યું હતં કે, ન્યાય પાલિકાને લોકોની ભાવનાઓનું સન્માન કરવું જોઇએ. દેશમાં ન્યાય વ્યવસ્થા, ન્યાયપાલિકા પ્રત્યે અવિશ્વાસ જાગે તે બાબત યોગ્ય નથી. આના ઉપર વિચારણા કરવાની જરૂર છે. આ રેલી મુખ્યરીતે વિશ્વ હિન્દુ પરિષદની હતી પરંતુ સંઘે આ બહાને અયોધ્યા વિવાદ પર મોદી સરકારને કઠોર સંદેશો આપવાના પ્રયાસ કર્યા છે. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, સત્તામાં બેઠેલા લોકોએ પણ ઘોષણા કરી છે કે, મંદિર ત્યાં જ બનાવવામાં આવશે. હવે સંકલ્પ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. કોઇપણ ખચકાટ વગર આને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સંઘસરકાર્યવાહકે કઠોર શબ્દોમાં કહ્યું હતું કે,  સત્તામાં બેઠેલા લોકોએ જનભાવનાઓનું સન્માન કરવું જોઇએ. અમે રામ મંદિરને લઇને કોઇ ભીખ માંગી રહ્યા નથી. જોશીએ એમ પણ કહ્યું હતું કે, અમે કોઇની સાથે સંઘર્ષ ઇચ્છતા નથી. કોેઇપણ પ્રકારની પૂજાપદ્ધતિ અપનાવનાર લોકો હોય અમને કોઇ વિરોધ નથી. વિહિપની રેલીને સંબોધતા જોશીએ કહ્યું હતું કે, મંદિર નિર્માણની બાબતને સંપ્રદાય સાથે જોડીને જોવાની જરૂર નથી.

મંદિરનું નિર્માણ ભવિષ્યમાં રામ રાજ્યના નિર્માણ તરફ દોરી જશે. દેશપર હુમલા કરનાર લોકોના નિશાનો પણ દૂર થઇ જશે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોઇપણ હિંસાને ટાળવા તમામ પગલા લેવામાં આવ્યા હતા. બીજી બાજુ મંદિર નિર્માણને લઇને ગતિવિધિ દેશના અન્ય ભાગોમાં પણ તીવ્ર કરવામાં આવી છે.

Previous articleખીણનો બિન લાદેન ગણાતો રિયાઝ અહેમદ પકડાઈ ગયો
Next articleતેલંગાનામાં કેસીઆર ઓવૈસીને છોડે અમે સાથ આપવા તૈયારઃ ભાજપની ઓફર