શહેરના કુંભારવાડામાં આવેલ નારી રોડ ઠેક-ઠેકાણે તુટેલી હાલતમાં અને ધૂળથી ભરેલો હોય આ માર્ગને સમારકામ કરવાની તસ્દી તંત્ર ન લેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
શહેરના છેવાડાના વિસ્તાર તરીકે જાણીતા અને તંત્ર કાયમ માટે પછાત એરીયા તરીકે ગણના કરે છે. એવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા લોકોને તંત્ર પાસેથી પાયાકિય સવલતો મેળવવા માટે હંમેશા સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિક લોક પ્રતિનિધિઓ પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં સદંતર નિષ્ફળ સાબીત થયા છે. આથી આવા નપાણીયા નેતાઓ પાસે લોકો કોઈપણ અપેક્ષા પણ નથી રાખતા..? લોકોની ભારે માંગને લઈને તંત્રએ ભૂગર્ભ ડ્રેનેજ લાઈન તથા પીવાના પાણીની લાઈન ઉપલબ્ધ કરાવી પરંતુ આ સવલત મળ્યા બાદ જીર્ણ-ક્ષીર્ણ થયેલા માર્ગોનું નવીનીકરણ કરવા માટે યોગ્ય મુર્હુતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કુંભારવાડા સર્કલથી નારીને જોડતો રસ્તો લાંબા સમયથી ખુબ જ ખરાબ હાલતમાં છે. આ રોડ પર અનેક મસમોટા ખાડા સાથે ડામર શોધવા જવો પડે તેવી સ્થિતિમાં છે. આ રોડ પર વાહન ચલાવવું તો ઠીક પગપાળા વિસ્તારમાં આવવા જવા માટે ર૪ કલાક મોટી સંખ્યામાં હેવી વાહનો આ માર્ગનો ઉપયોગ કરે છે. આવા વ્યસ્ત માર્ગને તાકીદે સમારકામ કરવા માટે લોકમાંગ પ્રબળ બની છે.