મોરારિબાપુની વૈશ્વિક મહાવિદ્યાલય સમાન વ્યાસપીઠ પ્રત્યેક કથામાં કશા જ આયાસ-પ્રયાસ વિના સહજ રીતે નિત્ય નવા ઇતિહાસ રચી રહી છે. બિહારના બેગુસરાય જીલ્લાના સિમરીયા ગામની “માનસ આદિકવિ” શિર્ષક અંતર્ગત ગવાઈ રહેલી રામકથા સાથે યોજાયેલ સાહિત્ય મહાકુંભ પછી માત્ર હિન્દુસ્તાન જ નહીં, વિશ્વના ૧૭૦ દેશો બિહારને આદર,અહોભાવ અને આશ્ચર્યથી નિહાળતા થયા છે.સિમરીયા ગામ જાણે સમગ્ર બિહારનો અરિસો બની,મિથિલા નગરીની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિબિંબ ઉપસાવી રહ્યું છે.
રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરજીની જન્મભૂમિ સિમરીયામાં ઉત્તરાભિમુખ વહેતી ભાગીરથી ગંગાના “સિમરીયા ઘાટ” પર પ્રતિદિન લાખોની સંખ્યામાં શ્રોતાઓ કથા શ્રવણ માટે ઉમટી રહ્યા છે. નિમિત્ત માત્ર યજમાન બિપીન ઈશ્વર દ્વારા આયોજિત આ કથામાં ૩૦૦ એકર ભૂમિ પર “ચિત્રકૂટ ધામ” ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ૬૦૦ કોટેજીસ ઉભા કરવામાં આવ્યા છે. દેશ-વિદેશ માંથી આવેલા મહેમાનોને કોટેજોમાં નિવાસ અપાયા છે. તદ્દઉપરાંત ૨૦ કિ.મી. દૂર બેગુસરાય શહેરમાં પણ હોટલોમાં ૭૦૦ જેટલા મહેમાનોની વ્યવસ્થા કરાઈ છે.કેનેડા,યુ.એસ.એ,યુ.કે,દુબઈ અને ઇન્ડોનેશિયાથી શ્રોતાઓ આવ્યા છે.ઉપરાંત દેશના વિભિન્ન પ્રાંતોમાંથી પણ શ્રોતાઓ કથાશ્રવણ માટે આવ્યા છે.
આ કથામાં સૌથી ધ્યાનાકર્ષક બાબત કથા મંડપ છે. વ્યાસપીઠ ૧૪૦ ફૂટ લંબાઈ અને ૬૦ ફૂટ પહોળાઈની વિશાળતા ધરાવે છે. કથા મંડપની વિશેષતા એ છે કે વ્યાસપીઠ થી શરુ કરીને મંડપના અંત સુધીમાં બંને તરફ ૧૦૮-૧૦૮ પોર્શન ડીવાઈડર છે. કથા મંડપની વચ્ચે કોઈ પણ પાઈપ-પાર્ટીશન-સ્તંભ નથી. પંડાલ ૬૪૮ મીટર લંબાઈ અને ૧૫૦ ફૂટ પહોળાઈ ધરાવે છે. જેમાં ૧ લાખ શ્રોતાઓ એક સાથે બેસીને કથા શ્રવણ કરી શકે છે, વ્યાસપીઠ ઉપર બંને તરફ બે મોટી એલ.ઈ.ડી સ્ક્રીન સહીત કથા
મંડપમાં બંને તરફ ૫૪-૫૪ એમ ૧૦૮ વિશાલ સ્ક્રીન પર બાપુને જોઈ-સાંભળી શકાય છે. સમગ્ર પરિસરમાં ૩૦૦ જેટલા એલ.ઈ.ડી સ્ક્રીન છે. કથામંડપ ઉપરાંત અન્ય ચાર વિશાળ ડોમ બાંધવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકો આરામ કરી શકે છે. કુલ ૪ જનરલ રસોડા અને ૧ વીઆઈપી રસોડામાં દરરોજ અઢીલાખ લોકો પ્રસાદ પ્રાપ્ત કરે છે. આયોજકોએ ૧ કરોડ લોકો પ્રસાદ પામી શકે એટલા ઓર્ગેનિક ફૂડ અને વેજીટેબલ્સની જોગવાઈ રાખી છે. તમામ મહેમાનો માટે આખો દિવસ પીવા માટે મીનરલ વોટરની બોટલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. કથામાં ૫૦૦૦ જેટલા સવેતન કાર્યકરો સેવારત છે. ૩૦૦૦ જેટલી પોલીસ ફોર્સ સુરક્ષા માટે તૈનાત છે.સુરક્ષા પ્રબંધ માટે આયોજકે સરકાર ને ૩.૮૦ કરોડ ચુકવ્યા છે.ઉપરાંત ૨૦૦ ખાનગી સિક્યોરિટી ગાર્ડઝ રોકવામાં આવ્યા છે. રસોડા,ટ્રાન્સપોર્ટેશન અને વીવીઆઈપી મહેમાનો- એમ ત્રણે વિભાગ મુખ્ય યજમાન શ્રી બિપીન ઈશ્વર અને તેમના સાથી શ્રી રમેશ ટીમરીયા ની દેખરેખ નીચે છે જયારે દિલ્હીના શ્રી રાકેશ અરોરા કથા શ્રવણ માટે આવનાર મહેમાનોની આવાસ-ભોજન અને ટ્રાન્સપોર્ટેશન સંભાળે છે.અમારા પ્રેસ પ્રતિનિધિની કથાસ્થળની રૂબરૂ મુલાકાત દરમિયાન શ્રી રાકેશ અરોરાએ જણાવ્યું કે “આયોજક ની ધારણા પ્રમાણે કથાનું પ્રારંભિક બજેટ પચાસ કરોડનું હતું પણ પછી અનેક સુવિધાઓ ઉમેરાતી ગઈ અને હવે કથા પૂર્ણ થયા પછીજ કુલ ખર્ચનો ખ્યાલ આવે. ” બિહારના સિમરીયા ઘાટ ખાતે સત્સંગ, સાહિત્ય અને સંસ્કૃતિનું પ્રયાગતીર્થ રચાયું છે. વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુનું કથાગાન એ મુખર્ સત્સંગ અને બે લાખથી વધુ શ્રોતાઓનો મૌન સત્સંગ ચાલે છે.બપોર પછી લેસર લાઈટીંગ અને અદ્દભુત સાઉન્ડ સીસ્ટમથી સજ્જ ખાસ રંગમંચ પરથી ભારતના પ્રસિદ્ધ સાહિત્યકારો અને કવિઓ દ્વારા સાહિત્યિક સંવાદ ચાલે છે. સાહિત્ય રસિકો અને રાષ્ટ્રના સમર્થ શબ્દસ્વામીઓના વિચાર મંથનમાંથી નીપજેલા નવનીતના આસ્વાદનો લાભ દર્શકો-શ્રોતાઓને મળે છે. રાત્રે આ જ મંચ પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે.જેમાં ગીત,સંગીત,નૃત્ય,નાટિકા વગેરે કલા સ્વરૂપોનું મંચન દર્શકોને ભાવવિભોર બનાવે છે.
આમ, પૂજ્ય બાપુની વ્યાસપીઠે બિહારને બુલંદી બક્ષી છે. સિમરીયામાં સવિતા,સરિતા અને કવિતાનો ત્રિવેણી સંગમ ભાવકો અને શ્રાવકો ને આકર્ષી રહ્યો છે.સવિતા એટલે સુર્યવંશી રઘુકુલ ની રામકથા,સરિતા એટલે ભાગીરથી ગંગા અને કવિતા એટલે સાહિત્ય અને કલા ની અભિવ્યક્તિ. પૂજ્ય બાપુએ કથા દરમ્યાન પોતાનો એક પાવન મનોરથ વ્યક્ત કર્યો. તેમણે જે સ્થળે કથા ચાલી રહી છે ત્યાં ગંગામૈયાની ગોદમાં “દિનકર-ગ્રામ” રચાય એવી ભાવના વ્યક્ત કરી. દિનકર ગ્રામમાં ૧૦૮ એક રૂમ-રસોડું-શૌચાલય સહિતના આવાસ બનાવાય જેમાં માળાના મેર સમાન ૧૦૯મું ‘સિમરેશ્વર મહાદેવ’ નું મંદિર પણ બને. ગ્રામમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રંથાલય હોય. દરેક આન્ગણામાં એક એક ગાય હોય અને બે ત્રણ વૃક્ષો હોય. આ આવાસમાં તદ્દન સાધનવિહોણા એવા વંચિતોને વસાવાય. આ કામ માટે જરૂરી જમીન કશો જ વિવાદ ન થાય એ રીતે પૂરું બજારમુલ્ય આપીને ખરીદાય.અને એમાં સ્થાનિક પ્રશાસન અને સરકારનો સદ્દભાવ અને સહુના શુભઆશિષ પ્રાપ્ત થાય. ઉપરાંત ગંગા તટે એક ઘાટ બને જેનું નામ “કૈલાસ ઘાટ” હશે. યજમાન બિપીન ઈશ્વર આ શુભકાર્યને પાર પાડે એવી બાપુએ ઈચ્છા વ્યક્ત કરી. અને આ યોજનામાં તુલસીપત્ર રૂપે અગિયાર લાખની હનુમંત પ્રસાદી અર્પણ કરી. એ રીતે જોઈએ તો સીમરીયાની આ કથા પણ એક રીતે વંચિતોના લાભાર્થે” સર્વ ભૂત હિતાય, સર્વ ભૂત સુખાય” જ યોજાઈ ગણાય. બાપુ સદૈવ સમાજ ના છેલ્લા માણસ ની ખેવના કરે છે એ ફરી એક વાર દુનિયાએ નિહાળ્યું છે.
પ્રો.ડો.મનોજ જોશી(મહુવા)