ભારતે ઈતિહાસ સર્જ્યો : પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા ઉપર વિજય

872

એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે પાંચમા અને અંતિમ દિવસે પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો. ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ૩૨૩ રનની જરૂર હતી. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ૨૯૧ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે જ ભારતની જીત થઇ હતી. ભારતીય ટીમે હવે ઓસ્ટ્રેલિયા પર ૧-૦ની લીડ ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં ભારત તરફથી તમામ બોલરોએ શાનદાર બોલીંગ કરી હતી. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને સામીએ ૩-૩ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી માર્શે સૌથી વધુ ૬૦ અને પેનીએ ૪૧ રન કર્યા હતા. અન્ય બેટ્‌સમેનોમાં તમામ પૂછડિયા બેટ્‌સમોએ યોગદાન આપ્યું હતું અને હારના ટાળવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હાર ટળી ન હતી.  ભારતે જાન્યુઆરી ૨૦૦૮ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં કોઇ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૮માં ભારતે પર્થ ખાતે ઓસ્ટ્રેલિયાને ૭૨ રને હાર આપી હતી. એડિલેડ ટેસ્ટમાં ભારતે  ચોથા દિવસે જ ઓસ્ટ્રેલિયા ઉપર મજબૂત પકડ જમાવી લીધી હતી. આજે ઔપચારિકતા પૂર્ણ કરવાની જરૂર હતી.  બીજી ઇનિંગ્સમાં ૩૨૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે ગઇકાલે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૧૦૪ રન કર્યા હતા.  આજે આગળ રમતા ઓસ્ટ્રેલિયાના નિચલા ક્રમના બેટ્‌સમેનોએ આશા જગાવી હતી. જો કે અંતે તેમની હાર થઇ હતી.યજમાન ઓસ્ટ્રેલિયા તેના પ્રથમ દાવમાં માત્ર ૨૩૫ રન કરીને આઉટ થઇ ગયુ હતુ. આની સાથે જ ભારતને પ્રથમ ઇનિગ્સના આધાર પર ૧૫ રનની નજીવી લીડ મળી હતી. ત્યારબાદ પણ ભારતીય ટીમે મજબુત બેટિંગની શરૂઆત કરી હતી. ભારતીય ટીમ તેના બીજા દાવમાં ૩૦૭ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી ફરી એકવાર ચેતેશ્વર પુજારાએ સૌથી વધુ ૭૧ રન કર્યા હતા. જ્યારે રહાણેએ ૭૦ રન કર્યા હતા. ૧૪૭ રને ત્રીજી વિકેટ પડ્યા બાદ રહાણે અને પુજારાની જોડી જામી હતી અને આ બંને સ્કોરને ૨૩૪ રન સુધી લઇ ગયા હતા. રોહિત શર્મા ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો અને એક રન કરી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને ૧૨૨ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ ૩૦૭ રને ઓલઆઉટ થયા બાદ આ ટેસ્ટ મેચ જીતવા માટે ઓસ્ટ્રેલિયા સામે ૩૨૩ રનનો લક્ષ્યાંક આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૦૦ બાદથી  ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનાર ટીમોની હાલત કફોડી રહી છે. ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૭ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર બે ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૦ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.  જો કે આજે એડિલેડ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ભારતે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર જીત મેળવી હતી. વર્ષ ૨૦૧૪-૧૫થી હજુ સુધી ભારતે ૪૬ પૈકી ૨૬ ટેસ્ટ મેચો જીતી છે. આ ગાળા દરમિયાન ભારતીય ટીમ ટેસ્ટમાં પહેલા નંબર પર પહોંચી ગઇ છે. સ્થાનિક મેદાનમા શાનદાર દેખાવની સાથે સાથે ભારતે કેટલાક નવા રેકોર્ડ સર્જી દીધી છે.એડિલેડ ટેસ્ટ પહેલા  છેલ્લી ૧૫ ટેસ્ટ મેચો પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે. ટેસ્ટ શ્રેણી આ વખતે પણ ભારત માટે પડકારરુપ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબોન્ડ ગર્લ તરીકે સેડોક્સની  ફરીવાર એન્ટ્રી થશે : રિપોર્ટ