સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આજે ઝોન કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન આધાર શિલા સ્કુલ, વલાદ, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. બેન્ડ સ્પર્ધાને રાજયના સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડાયરેકટર શ્રી પી. ભારતી અને નવી દિલ્હીના સીનીયર કન્સલટન્ટ, એડશીલ શ્રી કે. ગીરીજાશંકરે દીપ પ્રાગટય કરીને ખુલ્લી મુકી હતી. આ સ્પર્ધામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, દાદરાનગર હવેલીની ટીમોએ ભાગ લીધો હતો. ઝોન સ્પર્ધામાં ગુજરાતની કન્યા અને કુમારની ટીમો પ્રથમ સ્થાને રહી હતી.
તાજેતરમાં ગુજરાત રાજય કક્ષાની ઇન્ટર સ્કુલ બેન્ડ સ્પર્ધાનું આયોજન ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજયની કુમાર ટીમમાં લક્ષ્મણ જ્ઞાનપીઠ, સંસ્કારધામ, બોપલ, અમદાવાદ અને કન્યા ટીમમાં શ્રી સ્વામિનારાયણ કન્યા વિધા મંદિર, ભુજ-કચ્છની પસંદગી ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગુજરાતની ટીમ તરીકે પસંદગી થઇ હતી. સ્કુલ એજ્યુકેશન એન્ડ લિટરન્સી વિભાગ દ્વારા ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગાંધીનગર જિલ્લાની આધારશિલા સ્કુલની પસંદગી કરવામાં આવી હતી. આજે તા. ૧૦ મી ડિસેમ્બર, ૨૦૧૮ ના રોજ આ ઝોન કક્ષાની સ્પર્ધામાં યોજાઇ હતી. ઝોન કક્ષાની સ્પર્ધામાં અલગ – અલગ ઝોનની ચાર કુમાર અને બે કન્યાની ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કન્યા વિભાગમાં પ્રથમ નંબરે ગુજરાતની સ્વામિનારાયણ કન્યા વિધા મંદિર, ભૂજ-કચ્છની ટીમ રહી હતી. બીજા નંબરે મહારાષ્ટ્ર રાજયની સન ફલેગ, બાન્દ્રાની ટીમ વિજેતા બની હતી. તેમજ કુમાર વિભાગમાં પ્રથમ ક્રમે ગુજરાતની લક્ષ્મણ જ્ઞાનપીઠ, સંસ્કારધામ, બોપલની ટીમ વિજેતા બની હતી. જયારે બીજા ક્રમે મહારાષ્ટ્રની ધ્યાન માતા હાઇસ્કુલ, અમરાવતીની ટીમ વિજેતા બની હતી.