તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ મંગળવારે આવશે પરંતુ અહીં સત્તા પર આવનારી પાર્ટીને સમર્થન આપવાની વાતે જોર પકડ્યુ છે. પહેલા ભાજપ અને હવે એઆઈએમઆઈએમએ કેસીઆરને ટેકો આપવાની વાત કરી છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને વિશ્વાસ છે કે રાજ્યમાં આગલી સરકાર તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)ની બનશે છે અને કે. ચંદ્રશેખર રાવ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે. ઓવૈસીએ જણાવ્યું કે કેસીઆર તેલંગાણામાં સરકાર બનાવશે અને એઆઈએમઆઈએમ તેમની સાથે ઊભી રહેશે. ઓવૈસીનું આ નિવેદન ભાજપને સત્તાની ભાગીદારીથી દૂર રાખવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજકારણમાં ચર્ચા છે કે તેલંગાણામાં ટીઆરએસને બહુમતીથી ઓછા બેઠકો મળવા પર ભાજપ તેમને સમર્થન આપી શકે છે. સાત ડિસેમ્બરે આવેલા એક્ઝિટ પોલમાં તેલંગાણામાં ભાજપને પાંચથી આઠ બેઠકો મળી શકે છે. ઓવૈસીના નિવેદનથી સ્પષ્ટ છે કે તે તેલંગાણામાં ભગવા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માગે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઓવૈસી અને ભાજપ વચ્ચે વાક્યુદ્ધ થયું હતું.
નોંધનીય છે કે પરિણામોના ૪૮ કલાક પહેલા ભાજપે તેલંગાણામાં ટીઆરએસ સાથે ગઠબંધન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ભાજપના રાજ્ય અધ્યક્ષ કે.લક્ષ્મણે જણાવ્યું કે જો તે એઆઈએમઆઈએમને છોડી દે છે અને સાર્વજનિક રીતે અમારૂં સમર્થન ઇચ્છે છે તો અમે ટીઆરરેસનું સમર્થન કરીશું. તેમણે જણાવ્યું કે કોઈ પણ પાર્ટી અમારા સમર્થન વગર અહીં (તેલંગાણા)માં સરકાર બનાવી શકશે નહીં.