બિહારમાં બેઠકોની વહેંચણીને લઈને નારાજ ચાલી રહેલા આરએલએસપીના વડા ઉપેન્દ્ર કુશવાહે આજે ધારણા પ્રમાણે જ કેન્દ્રિય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. આની સાથે જ કુશવાહની પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો છે. રાજીનામું આપી દીધા બાદ કુશવાહે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને બિહારને ખાસ પેકેજ આપવાની વાત કરી હતી પરંતુ ખાસ પેકેજ આપવામાં આવ્યું નથી. કુશવાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે કેન્દ્રની એનડીએ સરકારમાંથી બિહારને જે કંઈપણ આશા હતી તે પુરી થઈ નથી. વડાપ્રધાન મોદીને પોતાનું રાજીનામું મોકલી દીધા બાદ પત્રકાર પરિષદમાં કુશવાહે કહ્યું હતું કે વડાપ્રધાને બિહારને ખાસ પેકેજ આપવાની જાહેરાત કરી હતી પરંતુ કંઈપણ હાંસલ થયું નથી. બિહારની હાલત આજે પણ એવી જ છે જેવી પહેલા હતી. રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થા ભાંગી પડી છે. વિપક્ષની બેઠકમાં સામેલ થવાના સંકેત કુશવાહે પહેલાથી જ આપ્યા છે. કુશવાહ અને નીતિશકુમાર વચ્ચે ખેંચતાણનો ઈતિહાસ લાંબો રહ્યો છે.
કુશવાહે રાજીનામું આપ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ઉપર પણ પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે નીતિશ કુમારના શાસનમાં બિહારમાં ખુબ અન્યાય થયો છે. રાજ્ય સરકાર દરેક મોરચા ઉપર નિષ્ફળ સાબિત થઈ છે. નીતિશ કુમાર અને ભાજપે તેમની પાર્ટીને બરબાદ કરવાના પ્રયાસ કર્યા છે. નીતિશ કુમારે તેમને રાજકીય રીતે ખતમ કરવાના પ્રયાસ કર્યા છે. ભાજપે પણ તેમને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા છે. કુશવાહે કહ્યું હતું કે બેઠકોની વહેંચણીને લઈને તેઓ મોદીને મળવા માંગતા હતા પરંતુ મળવા માટેનો સમય આપવામાં આવ્યો ન હતો. કુશવાહની પાર્ટી બુધવારના દિવસે મોદી સરકાર અને નીતિશકુમારથી નાખુશ દેખાઈ હતી.