ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં સીબીઆઈની ખાસ અદાલતે વચેટીયા ક્રિશ્ચિયન મિશેલની સીબીઆઈ રિમાન્ડની અરજીને પાંચ દિવસ માટે વધારી દીધી છે. પાંચ દિવસ સુધી કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવ્યા બાદ આજે ખાસ સીબીઆઈ જજ અરવિંદ કુમારની કોર્ટમાં તેને હાજર કરવામાં આવ્યો હતો અને કેન્દ્રિય તપાસ સંસ્થાએ કોર્ટમાંથી મિશેલની નવ દિવસની રિમાન્ડની માંગ કરી હતી. તપાસ સંસ્થાએ કહ્યું હતું કે મિશેલ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. પોતાની દલીલમાં સીબીઆઈએ કહ્યું હતું કે અમને લેટર્સ રોગેટ્રીને લઈને પૂછપરછ કરવાની બાકી છે. પાંચ દેશોમાંથી આ પ્રકારના પત્ર મળ્યા છે. કેસમાં મિશેલે ઈટાલિયન તપાસને સહકાર કર્યો નથી. બીજી બાજુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આની સાથે સાથે સીબીઆઈની ખાસ અદાલતે મિશેલના વકીલોને સવારે અને સાંજે ૩૦ મિનિટ સુધી રોજ મળવાની મંજુરી આપી દીધી છે.
સીબીઆઈ ઈચ્છે છે કે વકીલને એક દિવસમાં એક જ વખત મળવાની મંજુરી આપવામાં આવે પરંતુ કોર્ટે દરરોજ સવારે અને સાંજે મળવાની મંજુરી આપી છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ મામલામાં કટકીના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા બ્રિટીશ નાગરિકે મિશેલે પૈસા લેવાની વાત કબુલી લીધી છે. અલબત્ત, મિશેલે લાંચ લીધી નથી પરંતુ કન્સલ્ટન્સી ફી તરીકે લીધી છે. મિશેલ પૂછપરછમાં યુપીએ નેતાઓ અને સંરક્ષણ મંત્રાલય પાસેથી પૈસા લેવાની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. મિશેલ એમ પણ કહ્યું છે કે યુપીએ સરકાર પાસેથી ક્યારેય પણ કોઈ લાંચ લીધી ન હતી. ઓગસ્ટા વેસ્ટ લેન્ડ પાસેથી ફી તરીકેની રકમ લેવામાં આવી હતી. તેની પૂછપરછને લઈને પણ રાજકીય ગરમી વધી ગઈ છે. પાંચ દિવસ માટે રિમાન્ડની અવધિ વધારી દેવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગતો ખુલીને સપાટી પર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.