રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે સંસદનુ શિયાળુ સત્ર આવતીકાલે મંગળવારથી શરૂ થઇ રહ્યુ છે. આ સત્ર તોફાની બને તેવા સંકેત પહેલાથી જ દેખાઇ રહ્યા છે. અનેક એવા મુદ્દા છે જેના કારણે રાજકીય ગરમી જામી શકે છે. તોફાની સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આક્રમક રણનિતી તૈયાર કરવામાં આવી ચુકી છે. વિરોધ પક્ષ આ સત્ર દરમિયાન રાફેલ, ખેડુતો આંદોલન, સીબીઆઇ વિવાદ, ઉત્તરપ્રદેશમાં વણસી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતી, વિપક્ષી નેતાઓની સામે તપાસ સંસ્થાઓના ઉપયોગ સહિતના મુદ્દા ચગાવવા માટે તૈયાર છે. બીજી બાજુ સરકાર રામ મંદિરના મુદ્દા પર બિનસરકારી બિલ રજૂ કરીને વિરોધ પક્ષ પર હિન્દુ વિરોધી હોવાની છાપ સર્જવવા માટેના પ્રયાસ કરનાર છે. કોંગ્રેસ પાર્ટી રોબર્ટ વાઢેરાના સ્થળો પર ઇડીના દરોડાના મુદ્દાને પણ જોરદાર રીતે ઉઠાવે તેવી શક્યતા છે. વિરોધ પક્ષોને ભયભીત કરવાના પ્રયાસ પણ કરવામાં આવી શકે છે. સત્રની શરૂઆત તોફાની થનાર છે. સત્રની શરૂઆતના દિવસે જ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ જાહેર થનાર છે. આવી સ્થિતીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપબાજીનો દોર પણ ચાલનાર છે. જો હિન્દુ રાજ્યો ભાજપના હાથમાંથી નિકળી જશે તો વિરોધ પક્ષો વધુ આક્રમક બનીને સરકાર પર પ્રહારો કરી શકે છે. સત્તા પક્ષ રામ મંદિરના મુદ્દાને ચગાવાવા માટેની યોજના પણ ધરાવે છે.
સરકાર પર હાલમાં દબાણ લાવવામાં આવી રહ્યુ છે કે રામ મંદિર પર વટહુકમ લાવવામાં આવે અથવા તો કાનુન બનાવીને રામ મંદિરના નિર્માણને લઇને રસ્તો કરવામાં આવે. આવી સ્થિતીમાં મોદી સરકાર જોરદાર ભીંસમાં દેખાઇ રહી છે. વિરોધ પક્ષો ખેડુતોની સમસ્યાને લઇને કેટલીક રજૂઆત કરી શકે છે. ભાજપના લોકો સંસદના બંને ગૃહોમાં રામ મંદિરના નિર્માણ પર બિન સરકારી બિલ રજૂ કરીને વિરોધ પક્ષોને ભીંસમાં લેવા માટે પ્રયાસ કરશે. આ સત્ર ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થનાર છે. સત્રમાં કેટલાક ચાવીરૂપ બિલ પર ભાર મુકવામાં આવનાર છે. સરકાર સત્ર દરમિયાન ત્રિપલ તલાક બિલ, રાષ્ટ્રીય મેડિકલ કમીશન, બિન નિયામક જમા યોજના, બિલ પર ધ્યાન આપશે. સરકાર કૃષિ, પશુપાલન, રોજગાર, ઉદ્યોગ, આવાસ યોજના, આર્થિક ક્ષેત્રમાં પોતાની સિદ્ધીઓને રજૂ કરવાના પ્રયાસ કરશે. અન્ય કેટલાક મુદ્દા પણ છે જે જોરદાર ગરમી જગાવી શકે છે. જેમાં મોંઘવારી, આર્થિક વિકાસને લઇને પ્રશ્નો પણ ઉઠી શકે છે. સંસદના શિયાળુ સત્રમાં મહિલા અનામત બિલના મુદ્દે કોંગ્રેસ પાર્ટી સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કરશે. રાહુલ ગાંધીએ મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ અંગે સમર્થનની માંગ કરી છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવિન પટનાયકે પણ વડાપ્રધાનને આ સંબંધમાં પત્ર લખ્યો છે અને આ સત્રમાં જ બિલને ઉઠાવવાની માંગ કરી છે. મહિલા અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં ૩૩ ટકા મહિલા અનામતની ભાગીદારીની ખાતરી કરે છે.