મોખરાની અભિનેત્રી કંગના રનૌતે કહ્યું હતું કે મણીકર્ણિકા બનાવતી વખતે અમે એક બાબત ધ્યાનમાં રાખી હતી કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇને યથાર્થ સ્વરૃપે રજૂ કરવી. એ જ એમને સાચ્ચી શ્રદ્ધાંજલિ ગણાય. ’અમે મૂળ ઇતિહાસને પૂરેપૂરા વફાદાર રહીને રાણી લક્ષ્મીબાઇના જીવનની ઐતિહાસિક બાબતોમાં જરાય છૂટછાટ લીધી નથી. વિરોધ કરનારા કે ટીકા કરનારા તો કર્યા કરે. અમે મૂળ કથાનકને પૂરતા વફાદાર રહ્યા છીએ અને ઝાંસીની રાણી લક્ષ્મી બાઇને સાચ્ચી શ્રદ્ધાંજલિ આપવાનો ભરપુર પ્રયાસ કર્યો છે’ એમ કંગનાએ કહ્યું હતું.
મૂળ આ ફિલ્મનું ડાયરેક્શન સાઉથના ફિલ્મ સર્જક ક્રીશ કરી રહ્યા હતા પરંતુ કોઇ અકળ કારણસર એ વચ્ચેથી પોતાની સાઉથની એક ફિલ્મ પૂરી કરવા ચાલ્યા ગયા. જો કે ત્યાં સુધીમાં ક્રીશે ૬૫ ટકા કામ પૂરું કરી નાખ્યું હતું. ક્રીશ ગયા બાદ આ ફિલ્મના ડાયરેક્શનની જવાબદારી કંગનાએ પોતાના ખભે લઇ લીધી હતી અને ક્રીશે શૂટ કરેલા કેટલાક હિસ્સાને નવેસર શૂટ કરવાનો આગ્રહ સેવ્યો હતો. એના પરિણામે મણીકર્ણિકાની સાથોસાથ બીજી ફિલ્મ કરી રહેલા અભિનેતા સોનુ સૂદ સાથે એને ક્લેશ થયો હતો.