એડિલેડ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કારમી હાર થયા બાદ ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે, પર્થમાં શુક્રવારના દિવસથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ સારો દેખાવ કરશે. રિકી પોન્ટિંગે કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વાપસી કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. લાંબા ગાળા બાદ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાની જમીન પર ભારતે ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી છે. પોન્ટિંગનું માનવું છે કે, પર્થમાં બનાવવામાં આવેલી નવી વિકેટ ઝડપી બોલરોને મદદ કરશે. પોન્ટિંગે કહ્યું છે કે, પર્થની વિકેટ ભારતીય ખેલાડીઓની સરખામણીમાં અમારા ખેલાડીઓને વધારે મદદ કરશે પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમને વહેલીતકે વાપસી કરવાની જરૂર પડશે. પોન્ટિંગે એમ પણ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ પોતાની નબળાઈઓને વહેલીતકે દૂર કરવાની જરૂર પડશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે અનેક ભુલો કરી હતી જેની કિંમત તેને ચુકવવી પડી છે.
પૂર્વ કેપ્ટને કહ્યું હતું કે, આ સપ્તાહ દરમિયાન ખરાબ દેખાવ કર્યા બાદ ટીમની હાર થઇ છે. પોન્ટિંગે એમ પણ કહ્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ આને લઇને કઠોર પ્રતિક્રિયા કરવી જોઇએ નહીં. ઓસ્ટ્રેલિયન ટીમ વર્તમાન ઇલેવન સાથે જ મેદાનમાં ઉતરશે તેમ માનવામાં આવશે. ફિન્ચ ઓપનિંગ બેટ્સમેન તરીકે નિષ્ફળ ગયો છે પરંતુ પસંદગીકારો, કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ટીમ પેને ફિન્ચની તરફેણ કરી છે અને કહ્યું છે કે, તેને હજુ રમાડવામાં આવશે.