સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧ થી ૧૦૦ ક્રમમાં આવનારા નગરોને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ અપાશેઃમુખ્યમંત્રી

971

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નગરોને સ્વચ્છ-સુઘડ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે જાહેર કર્યુ છે કે, રાજ્યના જે નગરો સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧ થી ૧૦૦માં ક્રમમાં સ્થાન મેળવશે તેમને વિશેષ પ્રોત્સાહક ગ્રાન્ટ સરકાર આપશે.

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા આગામી ૪ થી ૩૧  જાન્યુઆરી દરમ્યાન દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ યોજાવાનું છે તેમાં રાજ્યની મહત્તમ નગર પાલિકાઓ થ્રી સ્ટાર રેન્કીંગમાં પહોચે તેવા સ્વચ્છતા-સુઘડતાના કામોને વેગ આપીએ.

મુખ્યમંત્રી ગાંધીનગરમાં રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખો તેમજ ચીફ ઓફિસરોની બેઠકમાં માર્ગદર્શન આપી રહ્યા હતા.

મુખ્યમંત્રીએ નગરપાલિકા પ્રમુખો-ચીફ ઓફિસરોને પ્રેરણા આપતાં આહવાન કર્યુ કે, નગરોમાં સ્વચ્છતા, ટાઉન પ્લાનીંગ સ્કીમ, રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર સહિતના વિવિધ શહેરી વિકાસ કામોની આંતરિક સ્પર્ધા કરીને શ્રેષ્ઠત્તમ દેખાવ કરનાર નગરોને પ્રોત્સાહક ગ્રાન્ટ – સહાય આપવાની સર્વગ્રાહી નીતિ રાજ્ય સરકાર આગામી દિવસોમાં ઘડશે. ગુજરાત હવે અર્બનાઇઝડ સ્ટેટ બની ગયું છે અને ૪પ ટકા વસ્તી નગરો-મહાનગરોમાં વસે છે ત્યારે શહેરી સુખાકારી-સુવિધાના માળખાકીય કામો સહિતના વિકાસકામોને પ્રાધાન્ય આપવાની સૌની નૈતિક જીમ્મેદારી છે.

વિજયભાઇ રૂપાણીએ એવો મત વ્યકત કર્યો કે જેટલી કામની ડીલીવરીઝ મ્યૂનિસીપાલિટીઝ માંથી થાય છે તેટલી અન્ય કયાંયથી થતી નથી એટલે ચૂંટાયેલી પાંખ-પદાધિકારીઓ અને અધિકારીઓ સંકલનમાં રહીને પરિશ્રમની પરાકાષ્ટા સર્જી અશકયને શકય બનાવી વિશ્વ કક્ષાના શહેરોના રોડ મેપની દિશામાં રાજ્યના નગરોને લઇ જાય તેની  આવશ્યકતા છે. તેમણે નગરપાલિકાઓની કાર્ય સંસ્કૃતિ માં બદલાવ લાવવાની હિમાયત કરતાં જણાવ્યું કે, આ સરકારે રિજીયોનલ મ્યૂનિસીપલ કમિશ્નરની નવી જગ્યાઓ ઊભી કરીને વિકાસ કામોમાં ગતિ અને પ્રશ્નોના ત્વરાએ નિવારણનો અભિગમ અપનાવ્યો છે. આ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ, ટાઉન પ્લાનિંગ, એફોર્ડેબલ હાઉસિંગ, વપરાયેલા ગંદા થયેલા શુધ્ધ કરેલા પાણીનો પૂનઃ ઉપયોગ સહિતના વિષયો પર પ્રેઝન્ટેશન અને નગરોની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં પાણીની પરિસ્થિતી અંગે વિશદ છણાવટ કરતાં કહ્યું કે, હવે રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર એ સમયની માંગ બન્યુ છે. ઇઝરાયેલથી લઇને વિકસીત દેશોના શહેરો ૧૦૦ ટકા રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર કરે છે.

ગુજરાતમાં આપણે આ માટેની નીતિ ઘડી છે અને વપરાયેલા પાણીને શુધ્ધ કરી પૂનઃ વપરાશ દ્વારા ઊદ્યોગો, ખેતી, સિંચાઇ માટે ઉપયોગમાં લઇ રહ્યા છીયે. આવા પાણીના વેચાણ દ્વારા નગરો પોતાના વિકાસ કામો માટે નાણાંકીય સંશાધનો પણ ઊભા કરી શકે તેમ તેમણે ઉમેર્યુ હતું.

Previous articleસ્વચ્છતા સર્વેક્ષણને લઈને મનપાનો ૪ર શૌચાલય ર૪ કલાક ખુલ્લા રાખવા નિર્ણય
Next articleભાજપના નેતાઓના જૂઠાણાં સામે પ્રજાનો જ્વાબ, લોકશાહી જીવંત રહી : શંકરસિંહ વાઘેલા