વરતેજ તાબેના હાથબ ગામે મોડીસાંજે સર્જાયેલ પારિવારીક ઝઘડામાં સગ્ગા કાકાએ સગીરાને માથાના ભાગે કોશનો ઘા ઝીંકી દેતા સગીરાને ગંભીર હાલતે સારવારમાં ખસેડવામાં આવી છે.
સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળેલ વિગતો અનુસાર, વરતેજ પોલીસ મથક હેઠળના હાથબ ગામે આવેલ કેવડીયા વાડી વિસ્તારમાં કોળી પરિવારના સભ્યો ખેતમજુરી કરી જીવનનિર્વાહ ચલાવે છે. જેમાં મહેશભાઈ પોપટભાઈ બારૈયા તથા તેના ભાઈ આનંદભાઈ બારૈયા સાથે તેના પિતરાઈ ભરત ડાયાભાઈ બારૈયા સાથે કોઈ બાબતે વૈમનસ્ય સર્જાતા થોડા સમય પૂર્વે માથાકુટ થવા પામી હતી. આ વિવાદને લઈને મહેશભાઈ પોપટભાઈ બારૈયા તથા આનંદભાઈ બારૈયાના ઘરે સામાધાન માટે આજે સાંજે એકઠા થયા હતા. જેમાં નશો કરીને આવેલ ભરત એલફેલ વાણીવિલાસ કરતો હોય જેને ભાઈઓએ ટપારતા મામલો બિચક્યો હતો અને વાત મારામારી સુધી પહોંચતા આરોપી ભરતે મહેશભાઈ પણ લોખંડની કોશનો ઘા કરતા આનંદભાઈની ૧૬ વર્ષિય સગીર પુત્રી શિવાની વચ્ચે પડતા આ સગીરાને મસ્તકના ભાગે ગંભીર ઈજા થવા પામી અને આરોપી ભરત ત્યાંથી નાસી છુટ્યો હતો. બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ સગીરાને ૧૦૮ દ્વારા ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યાં તેણીની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ઈજાગ્રસ્ત સગીરાના પરિજનોએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.