ઈન્ડીગો સી વેઈઝ પ્રા.લી. કંપની દ્વારા પહેલા ઘોઘા-દહેજ પેસેન્ઝર સર્વિસ અને ત્યાર બાદ રોપેક્ષ સર્વિસ શરૂ કરવામાં આવેલ તેને ચેમ્બર આવકારે છે. ભાવનગરના વિકાસ માટે ચેમ્બર પ્રતિબધ્ધ છે. તેથી આ કામગીરીમાં ચેમ્બરનો સંપુર્ણ સાથ અને સહકાર છે અને રહેશે. રોપેક્ષના પ્રી. લોન્ચીંગ માટેની પ્રથમ મીટીંગ પણ ચેમ્બરમાં યોજવામાં આવેલ જેમાં કંપનીના વરૂણભાઈ કોન્ટ્રાકટર અને અંકીતભાઈ જાની ઉપસ્થિત રહેલ. રોપેક્ષનો પ્રારંભ મુખ્યમંત્રીના વરદહસ્તે કરવામાં આવેલ તેના થોડા જ દિવસમાં ટેકનીકલ કારણોસર આ સેવા બંધ થયેલ છે અને ફરી કયારે શરૂ થશે તે અંગે કંપની તરફથી કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. આ ઉપરાંત ઘોઘા હજીરા પેસેન્જર સર્વિસ ૯ ડિસેમ્બરથી શરૂ થવા અંગે જાહેરાત થયેલ તે સર્વિસ પણ હજુ સુધી શરૂ થયેલ નથી. આ અંગે ચેમ્બરે મુખ્યમંત્રીને પણ પત્ર લખી સત્વરે ઘટતુ કરવા રજુઆત કરેલ છે.
ભાવનગરમાં ઈસ્કોન ખાતે મળેલ ત્યારે પણ આ અંગે ચર્ચા થયેલ. જે લોકોએ બુકીંગ કરાવેલ તે લોકોને સર્વિસ બંધ થયા બાદ રીફંડ મળવુ જોઈએ તે મળેલ નથી તેના કારણે કંપનીની ઈમેજ ખરાબ થાય છે જેથી અડવાન્સ બુકીંગ કરાવનાર પેસેન્જરોને રીફંડની ચુકવણી સત્વરે થવી જોઈએ.
ઘોઘા-દહેજ રોપેક્ષ અને ઘોઘા- હજીરા પસેન્જર સર્વિસ સત્વરે શરૂ કરવી જોઈએ અને તે અંગે કંપની તરફથી સત્વરે જાહેરાત થવી જોઈએ. આવી રીતે વારંવાર સર્વિસ બંધ કરવામાં આવશે તો તેની પ્રતિકુળ અસર ટ્્રાફિક ઉપર પડશે. તેથી આ સર્વિસ નિયમીત રીતે ચાલે તો લોકોની શ્રધ્ધા અને વિશ્વાસ જળવાય રહેશે. આ બાબતને ગંભીરતાથી લઈ સત્વરે ઘટતુ કરવા ચેમ્બર પ્રમુખ સુનિલ વડોદરીયા દ્વારા કંપનીના ચેરમેન ચેતનભાઈ કોન્ટ્રાકટરને લખીત રજુઆત કરી હતી.