ગણિકા દેહ વેચતી હશે પરંતુ દિલ નહીં : મોરારિબાપુ

1551

(મોરારિબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોત્થાન, સામાજિક લોકક્રાંતિના પ્રણેતા તરીકે સાપ્રંત સમય તેમને નવાજે છે. રામકથાના માધ્યમથી સાહિત્ય, શિક્ષણ સમાજ કલ્યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમની મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમ્યાન રામજન્મભુમિ અયોધ્યામાં તેઓ ગણિકા (સેકસવર્કર)ને કેન્દ્રિત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા વિષય સંદર્ભે પત્રકાર તખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાપ કર્યો જે અહીં પ્રસ્તુત છે.

પ્રશ્ન :- બાપુ માનસ ગણિકાના સ્ફુરણનો પાયો કોને ગણવો ! શા માટે ?

મોરારિબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષિત નથી. વ્યાસપીઠની કરૂણા પામવાનો સૌને અધિકાર છે. વંચિત, પીડીત ઉપેક્ષિત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતિ માટે સને ર૦૧૧માં દેવળા ગોંડલ, કિન્નરો માટે સને ર૦૧૬માં થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહીં કેન્સર, સ્વચ્છતા, ગાંધી દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે તો ગણિકા બહેનો માટે ધાર્મિકતાને જોડી સંવાદ કેમ ન થાય ? તુલસી દાસજીએ પણ વાસતી નામની ગણિકાના અંતિમ સમયે રામનામનું મહિમા ગાન કરી આપદ ધર્મ નિભાવ્યો હતો. મારી વ્યાસપીઠ પણ આ જ દિશામાં કદમ ઉપાડી રહી છે.

પ્રશ્ન : ગણિકાના વ્યક્તિત્વને આપ કઈ રીતે વ્યાખ્યાયિત કરો છો ?

મોરારિબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છું કે ગણિકા એટલે માત્ર દેહવ્યાપારમાં સંકળાયેલી સ્ત્રી કે મહિલ ાનહીં પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવક પોતાની સેવા માટે સાધુ પોતાના વ્યાખ્યાન માટે પોતાની નિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી મજબુરીથી કે ટેવ વશ પોતાના દેહ વેચતી હશે પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેચતી નથી.

પ્રશ્ન : ગણિકા જેવા અસ્પૃશ્ય વિષયને સ્પર્શતા આપ કોઈ સામાજિક સંકોચનો અનુભવ કરો છો ? શા માટે નહીં ?

મોરારિબાપુ : ના જરા પણ નહીં રામ બંધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવું જોઈએ. ભગવાન બુધ્ધ પણ ગણિકા પાસે ભીક્ષા લેવા ગયા હતાં. સમાજને તેણે ખુબ સુચારૂ ઉત્તર આપીને નવો સંદેશો આપ્યો હતો. તળાવમાં દુધનો લોટો નાંખવાથી તે તળાવ દુધીયું ન થાય પણ થોડો રંગ બદલે અરે… તે પણ ન થાય પણ સ્વયંને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવું જોઈએ તેવો નિર્દેશ માનસ કરે છે.

પ્રશ્ન : બાપુ, માનસ-ગણિકાનું સ્થળ અયોધ્યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ – અભિગમ ? કયો ?

મોરારિ બાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસનું ભાવ કેન્દ્ર અયોધ્યા છે. મર્યાદા પુરૂષોત્તમ  રામજીની જન્મભુમિ બીજું સંત પુ. તુલસી દાસજીએ અહીં નગરના છેવાડે રહેતી વાસતી નામની ગણિકાની અંતિમ ઈચ્છા મુજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતાં. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાંસતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્યા ત્યારે  તે ખુબ પ્રસન્ન થઈ હતી.

વો રસ્મે તોડકર મેરે ઘર આને વાલે હૈ

મૈ ડર રહા હું કી ઝાલિમ જમાને વાલે હૈ

અને રામચર કૃપાળુ ભજમનના ગાન સાથે વાસતીની આંખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય.

પ્રશ્ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્યાણક પ્રવૃત્તિ માટે અપીલ થશે ?

મોારિબાપુ : સૌ માટે કરૂણા માનસનું ભાવ બિંદુ છે. સમાજે પણ તેને અનુસરવું જોઈએ  કલ્યાણક પ્રવૃત્તિઓ પણ હાથ ધરાશે તેવી શ્રધ્ધા છે.

પ્રશ્ન : માનસ કિન્નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તાવરીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ?

મોરારિબાપુ : સિર્ફ હંગામા ખડા કરનાર મૈરા મકસદ નહીં મેરી કો શિશ હૈ કી યે સુરત બદલની ચાહીએ આપણે દુષ્યતકુમારની આ પંક્તિઓને અનુસરીએ

પ્રશ્ન : બાપુ આ વિચાર બિંદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખ શકાય ? અથવા તેની ફુલશ્રુતિ ?

મોરારિબાપુ : ઉપેક્ષિત વર્ગ સમાજ તરફ લોક જનસમુહનું ધ્યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચાર શૃંખલાને બળ મળે છે. માનસ કિન્નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્નર સમાજને તૃતિય લિંગ તરીકે સ્વીકારવામાં આવ્ય્‌ છે. તેવી વાત મારા ધ્યાન પર લાવવામાં આવી છે. આ આવકારદાયક જ ગણી શકાય.

પ્રશ્ન : બાપુ, આ કથાના યજમાન કે વ્યવસ્થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ?

મોરારિબાપુ : કથા સ્થળ ભકત માર્ગની બગીચી, પિરક્રમા માર્ગ અયોધ્યા છે. તેના યજમાન કોલકત્તાના બંગાળી શ્રેષ્ઠી છે તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્વ આપે તેમ નથી. બાબુજીએ ર૦૦ ગણિકા બહેનોને નિવાસ- ભોજન મુસાફરીની વ્યવસ્થા કરેલ છે. કથા સ્થળે મંડપમાં અગ્ર ભાગે તેમની સુચારૂ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રામકથાના .પક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમ્મિલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજિક પુનરૂત્થાન માટે સધળાં પ્રયત્નો થશે અગાઉ પણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતાં પ્રગટ કરી ચુકયું છે.

પ્રશ્ન : વ્યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે ો આપનો કોઈ મનસુબો ?

મોરારિબાપુ : ના કંઈ નિશ્ચિત હોતું નથી. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગૃરુકૃપાથી સ્ફુરણ થશે ત્યાં તલગાજરડા માનસ પહોંચવા પ્રયત્નશીલ હશે.

પ્રશ્ન : બાપુ કથા પુર્વે શ્રોતાઓને, સાધકોને આપનો કોઈ સંદેશ ?

મોરારિબાપુ : હા સૌને કથા શ્રવણ માટેનો ઉમળકાભેર સાદ સૌ આવો જય સિયારામ

Previous articleભૌતિક ભુખો ઘટાડી સાત્વીક ભુખ વધારીએ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે