જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. સત્તાની આ સેમિફાઇનલમાંચ કોંગ્રેસે આજે ભાજપ ઉપર જીત મેળવી હતી. કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્તાન અને છત્તીસગઢ ભાજપ પાસેથી આંચકી લઇને ઐતિહાસિક સફળતા હાંસલ કરી હતી. આની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ લાંબા ગાળા બાદ મોટી જીતનો સ્વાદ ચાખ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીને જવાબદારી સોંપવામાં આવ્યા બાદ ગુજરાત અને હિમાચલ પ્રદેશ તથા કર્ણાટકમાં પીછેહઠનો સામનો કોંગ્રેસ પાર્ટીને કરવો પડ્યો હતો પરંતુ આખરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને મોટી સફળતા હાથ લાગી હતી. એકબાજુ રાજસ્થાનમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિ મેળવી લીધી છે. બહુમતિ માટે જરૂરી આંકડો કોંગ્રેસ પાર્ટીએ હાંસલ કરી લીધો હતો. બીજી બાજુ મધ્યપ્રદેશમાં મતગણતરીની શરૂઆત થયા બાદથી છેલ્લે સુધી ગળાકાપ સ્પર્ધા રહી હતી. જો કે, આખરે કોંગ્રેસ પાર્ટીએ અહીં પણ બાજી મારી લીધી હતી. સત્તાના સેમિફાઇનલ સમાન ગણાતી આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજનીતિમાં ઉદય થયા બાદ પ્રથમ વખત એવું બન્યું છે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સીધી લડાઈમાં ભાજપને હાર આપી છે. જો કે, કોંગ્રેસ પાર્ટીને મિઝોરમમાં મોટો ફટકો પડ્યો છે. મિઝો નેશનલ ફ્રન્ટે બહુમતિ હાંસલ કરી લીધી છે. જ્યારે તેલંગાણામાં ટીઆરએસે જોરદાર સપાટો બોલાવ્યો છે અને બે તૃતિયાંશ બહુમતિ હાંસલ કરી લીધી છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ સરકાર રચવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણી પહેલા નવા સમીકરણો અને ગઠબંધનને આ પરિણામ જન્મ આપશે. પાંચ રાજ્યોમાં આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસ પાર્ટીને સંજીવની આપવામાં ભૂમિકા અદા કરશે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી હવે વધારે સારી રીતે માયાવતી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, શરદ પવાર, ચંદ્રબાબુ નાયડુ જેવા ક્ષેત્રિય પક્ષો સાથે ગઠબંધન કરીને આગળ વધશે. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરનાર ભાજપને મોટો ફટકો પડ્યો છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લે સુધી જોરદાર સ્પર્ધા રહી હતી. બીજી બાજુ રાજસ્થાનમાં શરૂઆતમાં તીવ્ર સ્પર્ધા રહ્યા બાદ છેલ્લે કોંગ્રેસે લીડ મેળવી લીધી હતી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટના નેતૃત્વમાં આ જોડીએ જોરદાર દેખાવ કર્યો હતો. મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતે જીતી ગયા હતા પરંતુ તેમની પાર્ટી અને અનેક પ્રધાનોને હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૯ સીટોના પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે નાના પક્ષો સાથે મળીને સરકાર બનાવવા માટે સફળતા હાંસલ કરી લીધી છે. છત્તીસગઢમાં કોંગ્રેસ પાર્ટીને બે તૃતિયાંશ બહુમતિ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. છત્તીસગઢમાં છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીને નિરાશા હાથ લાગી છે. રમણસિંહની સરકારનું પતન થયું છે. છત્તીસગઢમાં શાસનવિરોધી પરિબળ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો છે અને બે તૃતિયાંશ બહુમતિ હાસલ કરી લીધી છે. મુખ્યમંત્રી રમણસિંહે પાર્ટીની હાર માટેની નૈતિક જવાબદારી આજે સ્વીકારી લીધી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના શાનદાર દેખાવથી અજીત જોગીને પણ મોટો ફટકો પડ્યો છે. તેલંગાણામાં આ વખતે ચંદ્રશેખર રાવ હિરો તરીકે સાબિત થયા છે. તેલંગાણામાં વહેલીતકે ચૂંટણી યોજવાનો નિર્ણય કેસીઆર દ્વારા કરવામાં આવ્યો હતો જે બિલકુલ યોગ્ય સાબિત થયો છે. તેમની પાર્ટીએ બે તૃતિયાંશથી પણ વધુ સીટો જીતી લીધી છે. આની સાથે જ કેસીઆરે તેલંગાણામાં સત્તામાં આવવાના સપના જોનાર કોંગ્રેસ અને ટીડીપી ગઠબંધનના સપના ઉપર પાણી ફેરવી દીધું છે. કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને નજીવી સીટો મળી છે.
ટીઆરએસને વર્ષ ૨૦૧૩માં ૬૩ સીટો મળી હતી. મુખ્યમંત્રી કેસીઆર ગજવેલ સીટ પરથી જીતી ગયા છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટીનો સફાયો થયો છે. આની સાથે જ કોંગ્રેસ પાર્ટી એકમાત્ર પૂર્વોત્તર રાજ્ય ધરાવનાર પણ ગુમાવી દેતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. અહીં ૪૦ વિધાનસભા સીટો માટે ૨૯મી નવેમ્બરના દિવસે ૭૫ ટકા મતદાન થયું હતું. રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં મોડા સુધી જોરદાર સ્પર્ધા રહી હતી. જો કે, આખરે બંને જગ્યાઓએ કોંગ્રેસ પાર્ટીએ પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. તેલંગાણા અને મિઝોરમમાં બિલકુલ સ્પષ્ટ પરિણામો જાહેર થયા છે. એક્ઝિટ પોલના તારણ મુજબ જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પરિણામ રહ્યા છે પરંતુ છત્તીસગઢના પરિણામ ચોંકાવનારા રહ્યા છે.