જસદણ ચૂંટણી :SRPની છ કંપની તૈનાત કરી દેવાઈ

851

જસદણમાં આગામી તા.૨૦મી ડિસેમ્બરે યોજાનાર જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે એસઆરપીની ૬ કંપનીઓ ઉતારી દેવામાં આવી છે. આ પેટાચૂંટણીમાં ૨,૩૨,૦૦૦ મતદારો નોંધાયા છે અને ૨૬૨ મતદાન મથકો છે. જે પૈકી સંવેદનશીલ ૭૨ લોકેશન અને ૧૨૬ મતદાન મથકો પર હાફ સેક્શન એસઆરપીની ટીમ તૈનાત કરાશે. ઉપરાંત, સૌ પ્રથમ વખત મહિલાઓ સંચાલિત બે બુથ ઉપરાંત દિવ્યાંગો માટે અલગ બુથની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ, જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મતદાન મથકો પર પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત મૂકવામાં આવશે. આ માટે એસઆરપીની ૬ કંપનીઓ આવી પહોંચી છે. ખાસ કરીને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા છેલ્લી બે ચૂંટણીથી મહિલા મતદાન મથકની નવી સિસ્ટમ અમલી કરાઇ છે. જેમાં વિધાનસભા બેઠક દીઠ એક મહિલા મતદાન મથક રાખવામાં આવતું હતું અને તેમાં ફરજ બજાવનારા સ્ટાફ માટે ડ્રેસ કલર કોડ હતો. જેના બદલે આ પેટાચૂંટણી માટે બે મહિલા મતદાન મથકો રાખવામાં આવ્યા છે. જેમાં એક મહિલા મતદાન મથક ડીએસવીકે હાઇસ્કૂલ ખાતે મતદાન મથક નં.૧૧૯ અને બીજુ મહિલા મતદાન મથક સરદાર પટેલ પ્રાથમિક શાળા મતદાન મથક નં.૧૪૩ રાખવામાં આવ્યું છે. જો કે આ મહિલા મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફનો ડ્રેસ કલરકોડ દૂર કરવામાં આવ્યો છે.  આ ઉપરાંત વાજસુરપરા ખાતે શારીરિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગ મતદારો માટે ખાસ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. તેમજ તેઓના માટે મતદાન મથકો પર રેમ્પ, વ્હિલચેર સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ચૂંટણીના દિવસે જસદણમાં જાહેર રજા રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું. આ સાથે હવે તંત્રની તૈયારીને લઇ જસદણમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે.

Previous articleલોકસભાની ચૂંટણી જનતાના આશિર્વાદથી જીતીશું : પંડ્યા
Next articleગુજરાત : ૮૨,૦૦૦ કરોડનું ઔદ્યોગિક મૂડીરોકાણ કરાશે