ચાણસ્મા તાલુકાના આશરે ૨૦ જેટલા ગામોમાં ખોરસમ-માતપુર કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવવા આ વિસ્તારના ખેડૂત ોમરણીયો બન્યા છે. અને નર્મદા વિભાગને તેમજ સરકારને જગાડવા છેલ્લા એક માસથી જુદા જુદા કાર્યક્રમો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. જેને ભાજપ-કોંગ્રેસ પક્ષના તમામ ખેડૂતોનું સમર્થન મળી રહ્યું છે. જેના ભાગરૃપે અગાઉથી નક્કી થયા મુજબ ચાણસ્મા તાલુકા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અને ખેડૂતોએ વિશાળ સંખ્યામાં ભેગા થઈ આજે સવારે ચાણસ્મા બજારના વ્યાપારીઓ પાસે જઈ ભિક્ષાવૃત્તિનો નવતર પ્રયોગ હાથ ધરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં તાલુકાભરમાંથી ૫૦૦ કરતાં પણ વધારે ખેડૂતો જોડાયા હતા.
આજે સવારે ૧૦ વાગે ચાણસ્મા ટાવરચોક આગળ તાલુકાભરમાંથી આ કાર્યક્રમમાં ખેડૂતો જોડાયા હતા. ત્યારબાદ સરદારની પ્રતિમાને હાર પહેરાવી વર્તમાન સરકાર સામે સુત્રોચ્ચાર કરી ખેડૂતો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ વ્યાપારીઓ પાસેથી ભીખ માંગી ફાળો એકત્રિત કર્યો હતો.
ત્યારબાદ ચાણસ્મા નગરમાં રેલી નીકાળ્યા બાદ મામલતદાર કચેરીએ જઈ વિવિધ માંગણીઓ માટે આવેદનપત્ર આપવા જતાં ખેડૂતોને પોલીસે અટકાવ્યા હતા. જેથી ખેડૂત અને પોલીસ વચ્ચે તું-તું મૈ-મૈં થતાં ઘડીકવાર ઉત્તેજના વ્યાપી ગઈ હતી.
ઉઘરાવેલો ફાળો મુખ્યમંત્રીના રાહત નિધીફંડમાં જમા કરાવવા મામલતદારને આપતાં મામલતદારે ફાળો સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. ખેડૂતોની માંગણી મુજબ પાણી છોડવામાં ન આવે તો આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો કરવાની ખેડૂતોએ ચિમકી ઉચ્ચારી હતી.