ગાંધીનગર શહેરના નિરાધાર અને નિસહાય વડિલો માટે રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૃપે ખાસ યોજના શરૃ કરી હતી. જેમાં મહિનામાં બે વખત તબીબી ટીમ જરૃરી સાધન અને દવાઓ લઇને વયસ્કોના ઘરે જાય છે અને તેમનું નિદાન અને સારવાર કરે છે. શરૃઆતમાં આ યોજનાને સારો પ્રતિસાદ સાંપડયો હતો જે અંતર્ગત ગાંધીનગર શહેરી વિસ્તારમાં એકલવાયુ જીવન ગુજારતા વડિલો તેમજ વૃધ્ધ દંપતિઓએ રૃપિયા એક હજાર ભરીને આ યોજનાનો લાભ લીઘો હતો.
શરૃઆતના મહિનાઓમાં આ યોજના ટાઇમટેબલ પ્રમાણે ચોક્કસ ચાલતી હતી પરંતુ દરેક સરકારી યોજનાની જેમ આ પાયલોટ પ્રોજેક્ટમાંથી સરકારને જ રસ ઉઠી ગયો હોય તેમ તેની સામે જોવાનો પણ અધિકારીઓને સમય મળ્યો નથી. જેના કારણે એક હજાર રૃપિયા ભરનાર વડિલોની હાલત હાલ કફોડી બની છે.
હવે નિયમીત તપાસ કરવા પણ તબીબી ટીમ વયસ્કોના ઘરે પહોંચતી નથી તો બીજીબાજુ વૃધ્ધો આ ટીમની રાહ જોઇ રાખે છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાંથી આ પ્રોજેક્ટ કાર્યરત થાય છે ત્યારે છેલ્લા ઘણા વખતથી તબીબોના અભાવે સિવિલની જ આરોગ્ય સેવાઓ ઉપર વિપરીત અસર પડી છે એટલુ જ નહીં, વીવીઆઇપી સેવામાં પણ સિવિલના સ્ટાફનો ’દુર’ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ પ્રોજેક્ટ માટે ડોક્ટર, નર્સ સહિત વધારાનો સ્ટાફ મુકવા માટે દરખાસ્ત કરવામાં આવે છે પરંતુ ફક્ત યોજનાઓ બનાવવામાં વ્યસ્ત ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીને આ દરખાસ્ત મંજુર કરવાનો સમય નથી.