આધુનિક ડેપો બનાવવા માટે એસટી ડેપોમાં વિવિધ સ્થળે ૧૧ સીસી ટીવી કેમેરા મુકાયા છે. પરંતુ સમયસર કેમેરાની સર્વિસ કરાવવામાં નહી આવતા હાલમાં આરામના મુડમાં છે. કેમેરા બંધ રહેતા ખિસ્સા કાતરૂઓ માટે ઘી-કેળા જેવો માહોલ સર્જાયો છે અને મુસાફરોના કિંમતી સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એસટી નિગમ દ્વારા રાજ્યભરના એસટી ડેપોને કોર્પોરેટ લુક અપાઇ રહ્યો છે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાઇ રહ્યા છે. તેના અંતર્ગત રાજ્યભરના તમામ ડેપોમાં નાઇટ વિઝનવાળા કેમેરા ફીટ કરાઇ રહ્યા છે. પરંતુ સમયસર સર્વિસના અભાવે કેમેરા હાલમાં શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એસટી ડેપોમાં બસ સ્ટેન્ડ, ર્પાકિંગ વિસ્તાર, પ્રવેશદ્વાર, વર્કશોપ સહિતના સ્થ?ળોએ કેમેરા ફીટ લગાડાયા છે. ગાંધીનગર ડેપોમાં ફીટ કરેલા ૧૧ જેટલા કેમેરાની સમયાંતરે સર્વિસ કરવામાં નહી આવતા હાલમાં બંધ હાલતમાં છે. જેને પરિણામે બસમાં બેસવા જતા મુસાફરોના સામાન તેમજ ખિસ્સામાંથી પાકિટ તેમજ કિંમતી સામાનની ચોરી કરતા તત્વોને મોકળું મેદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે એસ ટી બસમાં બેસવા જતી એનઆરઆઇ મહિલાના પાકિટમાંથી રૂપિયા ૧૨.૪૧ લાખના સોનાના ઘરેણાં ભરેલા પાકિટને ગઠિયાઓ સેરવી ગયા હતા.