આગામી મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી તેના પહેલા જાન્યુઆરી મહિનામાં મહાપાલિકા દ્વારા આમ આદમીને મજા પડી જાય તે પ્રકારે આંકડાની માયાજાળ રચીને વર્ષ ૨૦૧૯ માટે બજેટ તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સ્વાભાવિક રીતે આ વખતે નવી યોજનાઓ હાથ પર લેવા તજવીજ કરાશે. પરંતુ સફાઇ અને આરોગ્યની બાબતો પર વિશેષ ભાર મુકવામાં આવશે. વિશેષરૂપે નવા કરવેરા વગરનું બજેટ લાવવાની વાત પણ ચોક્કસ ધ્યાને રાખવામાં આવશે. જ્યારે બજેટનું કદ ૩૦૦ કરોડની આસપાસ રહે તેવી શક્યતા રહેશે.
મેયર અને સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં હોવાથી આ વખતે સામાન્ય સભા બોલાવવા સંબંધિ સમસ્યા ઉભી થઇ શકે છે. વર્ષ ૨૦૧૫માં તો પક્ષાંતર વિરોધી ધારા અંતર્ગત કોંગ્રેસે કરેલા કેસના કારણે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કરીને પસાર કરાવવામાં આવ્યું હતું અને કેસ સંબંધિ ન્યાયી પ્રક્રિયા પૂર્ણ થયા પછી બજેટને સામાન્ય સભામાં પસાર કરાવાયુ હતું.તેવી સ્થિતિ પણ આવી શકે છે.
આ વખતે બજેટની અસર લોકસભાની ચૂંટણી પર આવશે. આગામી વર્ષે લોકસભાની જ ચૂંટણી આવી રહી હોવાથી સારી સારી સુખ સુવિધા યોજનાઓની જાહેરાતો થશે જ. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી માથે આવવાના કારણે ફૂલગુલાબી બજેટ રજૂ કરાયું હતું. તેવું જ આ વખતે થઇ શકે છે. કેમ કે આગામી વર્ષમાં જ ચૂંટણી આવી રહી હોવાથી મતદાર નારાજ ન થાય તે રીતે બજેટ તૈયાર કરી રજૂ કરવામાં આવશે.