મહુવામાં રહેતા એક સાધુ યુવાન તથા તેની વાગ્દત્તાએ ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલુ લઈ સમાજને નવો રાહ ચિંધ્યો છે. પુ.મોરારીબાપુની ઉપસ્થિતિ વચ્ચે સ્મશાનમાં ચિત્તાની સાક્ષીએ લગ્નના ફેરા ફરી ગૃહસ્થાનમાં પ્રવેશ કર્યો છે.
મહુવામાં આવેલ કેબીન ચોક વિસ્તારમાં વિર વચ્છરાજ દાદાનું મંદિર આવેલુ છે. આ મંદિરમાં સેવા-પુજા સાથે દેખરેખનું કાર્ય કરતા સાધુ કાનદાસ ટીલાવતનો પરિવાર પણ સામેલ છે. જેમાં તેમનો યુવાન પુત્ર ઘન્યશામ (ઉ.વ.૩૬) પણ મદદરૂપ થતો હોય આ મંદિરે નિત્ય દર્શને આવતી કોળી જ્ઞાતિની યુવતી પારૂલ ભગવતભાઈ મકવાણા સાથે રોજીંદી મુલાકાતથી બન્ને વચ્ચે આંખ મળી હતી. અને બન્ને વચ્ચે પ્રિત પાંગરીહ તી. યુવક-યુવતિ ઈશ્વરમાં અખુટ શ્રધ્ધા ધરાવતા હોય જેની જાણ બન્નેના પરિવારોને થતા પરિવારે પણ વિના વિરોધે સંબંધ મંજુર કર્યો હતો. આ યુવાન અને યુવતી આંતરરાષ્ટ્રીય રામાયણી પુ. મોરારીબાપુ પર પણ અનન્ય શ્રધ્ધા ધરાવતા હોય થોડા સમય પૂર્વે પૂ.બાપુની ૧૦૦મી કથાનું આયોજન વારાણસી ખાતે થયુ હતુ. મોક્ષની નગરી કાશીમાં થયેલી કથાનું પ્રેમી યુગલે ભારે શ્રધ્ધા આસ્થા સાથે રસપાન કર્યુ હતુ. અને પુ.બાપુની પ્રેરણાથી સમાજને નવી પ્રેરણા મળે તેવુ કાર્ય કરવાનો નિર્ણય કર્યો હતો. સૌ પ્રથમ બન્ને જણાએ તલ ગાજરડા સ્થિત મોરારીબાપુને મળી પોતાનો વિચાર જણાવ્યો હતો કે અમે બન્ને જણાએ પ્રસ્તાવ મુકયો કે અમે બન્ને સ્મશાનમાં ચિત્તાની સાક્ષીએ લગ્ન કરવા ઈચ્છીએ છીએ. અને તમારી ઉપસ્થિતિ વચ્ચે બાપુને પણ આ નિર્ણય ખુબ પસંદ પડયો અને શુભ કાર્યમાં વિંલંબ શા માટે ? તમારો પરિવાર રાજી હોય તો ગોઠવો ઘડયા લગ્ન ત્યારબાદ આ બાબતની જાણ વર-કન્યાના માતા-પિતાને જણાવી એમની પણ સંમતિ મળતા આજરોજ ઢોલ-બેન્ડવાજાના સથવારે સાજન-માજન તથા ગોર મહારાજ પુ.બાપુની પ્રેરક ઉપસ્થિતિની વચ્ચે તલગાજરડા ગામે આવેલ સ્મશાન ખાતે લગ્ન લેવાયા. જેમાં ૧પ૦થી વધુ જાનૈયાઓ હાજર રહ્યા અને અનોખા લગ્નના સાક્ષી બન્યા વર કન્યાએ ચોરી નહી ચિત્તાની સાક્ષીએ ચાર ફેરા લઈ માતા-પિતા તથા મોરારીબાપુ અને વડીલોના આર્શિવાદ લીધા સમગ્ર લગ્નનો ખર્ચ પુ.બાપુ દ્વારા ઉઠાવવામાં આવ્યો. આ ઘડીયા લગ્નને લઈને સમાજને અનોખી પ્રેરણા મળી છે.