મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ રહેશે તેને લઇને સત્તાવાર જાહેરાત મોડે સુધી કરી શકાય ન હતી. જો કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે કમલનાથને જવાબદારી સોંપવાની તૈયારી કરી લેવામાં આવી છે. સત્તાવાર જાહેરાત થઇ શકી ન હતી. આજે બેઠકોનો દોર જારી રહ્યો હતો. એકબાજુ રાજસ્થાનમાં ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક જયપુરમાં યોજાઈ હતી જ્યારે બીજી બાજુ મધ્યપ્રદેશના ભોપાલમાં બેઠક યોજાઈ હતી. ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી પદના મુદ્દા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પાંચ સભ્યોના પ્રતિનિધિ મંડળે મોડેથી રાજ્યપાલ આનંદીબેન પટેલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો. આવી જ રીતે રાજસ્થાનમાં પણ કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલ કલ્યાણસિંહને મળીને સરકાર રચવા માટેનો દાવો કર્યો હતો. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની પસંદગીનો નિર્ણય કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર છોડવામાં આવ્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ પર પસંદગી ઉતારવામાં આવી હતી. જો કે, સત્તાવાર જાહેરાત થઇ શકી ન હતી. તેમના નામનું સૂચન જ્યોતિરાદિત્ય દ્વારા જ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. કમલનાથના નેતૃત્વમાં પાંચ સભ્યોની કોંગ્રેસ ટીમ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહનો સમાવેશ થાય છે. બીજી બાજુ રાજસ્થાનમાં બેઠક બાદ સચિન પાયલોટ અને ગહેલોત સહિત મુખ્ય નેતા દિલ્હી જવા રવાના થયા હતા. બંને જગ્યાઓ ઉપર રાહુલ દ્વારા નિર્ણય લેવામાં આવશે. રાજસ્થાનમાં કોંગ્રેસે આઠ વાગે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો હતો. મધ્યપ્રદેશમાં કમલનાથને નેતા ચૂંટી કાઢવામાં આવ્યા હતા. છત્તીસગઢમાં હજુ સુધી કોઇ પસંદગી કરવામાં આવી નથી. કમલનાથ યુપીએની સરકારમાં કેન્દ્રીયમંત્રી તરીકે હતા.
કમલનાથની પસંદગી એકબાજુ મધ્યપ્રદેશ માટે કરી લેવાઈ છે પરંતુ રાજસ્થાનમાં પાયલોટ અને ગહેલોત વચ્ચે સહમતિ દેખાઈ રહી નથી જેથી હવે આવતીકાલ સુધી નિર્ણય ટળી ગયો છે. સરકાર બનાવવાનો દાવો કરી દેવામાં આવ્યો હોવા છતાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકાર રચવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી. જો કે, મોડી રાત સુધી કોઇ નિર્ણય કરી શકાયા ન હતા. સત્તાવાર જાહેરાત મોડે સુધી થઇ શકી ન હતી. બેઠકોનો દોર જારી રહ્યો હતો. સરકાર રચવાની કવાયત સવારે જ શરૂ થઇ ગઇ હતી પરંતુ મુખ્યમંત્રી પદને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. આજે બુધવારે બેઠકોનો દોર ત્રણેય રાજ્યોમાં જારી રહ્યો હતો. બીજી બાજુ ત્રણેય રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાન દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા હતા. આજે શિવરાજ સિંહ ચોહાણે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે રાજીનામુ આપી દીધુ હતુ. આની સાથે સાથે શિવરાજે જાહેરાત પણ કરી હતી કે તેઓ રાજ્યમાં સરકાર રચવા માટેનો દાવો કરશે નહીં. શિવરાજ સિંહે કહ્યુ હતુ કે તેઓ કમલનાથને શુભેચ્છા આપે છે. તેમની સાથે સહકાર સાથે કામ કરવા માટે પણ તૈયાર છે.