સાવરકુંડલાના ભેંકરા ગામના વતની અને હાલ સુરત રહેતો આહિર પરિવાર પોતાની કાર લઈ બગદાણાથી સુરત તરફ જઈ રહ્યો હતો તે વેળાએ તળાજા-પાલીતાણા રોડ પર કુંઢેલી ગામ પાસે કાર અકસ્માતે પલ્ટી ખાઈ જતા કારમાં મુસાફરી કરી રહેલ આધેડનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકરા ગામના વતની અને હીરા વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયેલ આહિર ગોવિંદભાઈ બાઘાભાઈ શ્યોરા ઉ.વ.પર તથા તેનો પરિવાર તાજેતરમાં લગ્ન પ્રસંગે પોતાના વતન આવ્યો હતો. જયાં પ્રસંગ પુરો કરી ગોવિંદભાઈ તેમનો પુત્ર જીતેન્દ્ર પત્ની પુત્ર તથા પુત્રી એસેન્ટ કારમાં મહુવા તાલુકાના ધેરાઈ ગામે રહેતા તેમના સાઢેભાઈના ઘરે આવ્યા હતા. જ્યાંથી આજરોજ સવારના સમયે સમગ્ર પરિવાર કારમાં સુરત જવા રવાના થયો હતો. જેમાં તળાજા-પાલીતાણા રોડ પર આવેલ કુંઢેલી ગામના જોખમી વળાંક પાસે કાર ચાલક જીતેન્દ્રએ કાર પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડના ખાડામાં પલ્ટી ખાઈ જતા જીતેન્દ્રના પિતા ગોવિંદભાઈને ગંભીર ઈજા સાથે ૧૦૮ દ્વારા પ્રથમ તળાજા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર બજરંગદાસબાપા આરોગ્યધામમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં પરિવારના અન્ય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અંગે તળાજા પોલીસને જાણ કરવામાં આવી હતી.