આગામી તા.૨૦ ડિસેમ્બરના રોજ યોજાનારી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ આજે તંત્ર દ્વારા ૨૨૬ ઇવીએમ મશીન અને વીવીપેટ મશીન આજે જસદણ પહોંચાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ઇવીએમ અને વીવીપેટ મશીનની આજે સાવધાનીપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ભાજપ-કોંગ્રેસ દ્વારા જસદણમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે કોંગી મહિલાઓએ આજે મોંઘવારી મુદ્દે જસદણના રસ્તાઓ પર ચુલો સળગાવી રોટલા બનાવી અનોખો વિરોધ અને આક્રોશ વ્યકત કર્યો હતો અને ભાજપ સરકાર હાય હાયના છાજીયા લીધા હતા. જેને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. બીજીબાજુ, આજે પાસ નેતા હાર્દિક પટેલ જસદણ પહોંચતાં પણ સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. હાર્દિકને લઇ ભાજપના કુંવરજી બાવળિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે જ હાર્દિકને અહીં પ્રચાર માટે બોલાવ્યો છે. તો, કોંગ્રેસના અવસર નાકિયાએ હાર્દિકને તેઓએ પ્રચાર માટે નહી બોલાવ્યો હોવાનો જવાબ આપતાં ભાજપ પર પ્રહારો કર્યા હતા કે, બાવળિયાએ જસદણની પ્રજા અને કોંગ્રેસ પક્ષ સાથે ગંભીર દ્રોહ અને વિશ્વાસઘાત કર્યો હોવાથી અહીંની પ્રજા બાવળિયાને માફ નહી કરે. બાવળિયા આ ચૂંટણી જીતવા સરકારી મશીનરી અને સત્તાનો દૂરપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ નાકીયાએ કર્યો હતો. દરમ્યાન જસદણમાં કોંગ્રેસના મહિલા કાર્યકરોએ આજે મોંધવારીના મારને લઇને અનોખો વિરોધ કર્યો હતો. જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં જસદણના રસ્તાઓ વચ્ચે ચુલો સળગાવી રોટલા કર્યા હતા અને મોંઘવારી માટે સરકાર જવાબદાર હોવાના આક્ષેપ સાથે છાજીયા લીધા હતા. આ દ્રશ્યો જોવા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં રાંધણ ગેસ સહિતની તમામ જીવન જરૂરી વસ્તુઓના ભાવ કૂદકે-ભૂસકે વધી રહ્યા છે. જેને લઈને ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. તેમજ સામાન્ય માણસ માટે બે ટંક જમવાનું પણ મુશ્કેલ બની ગયું છે, તેમ છતાં સરકાર આ અંગે કોઈ પગલાં ભરતી નથી. મોદી સરકારે ચૂલો સળગાવવો મુશ્કેલ કર્યો હોવાનું જણાવી ભાજપ સરકાર હાય હાયના નામે છાજીયા લઈ પોતાનો રોષ વ્યકત કર્યો હતો.
જસદણ પેટાચૂંટણી આડે હવે વધારે સમય રહ્યો નથી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા જોરદાર તૈયારી કરી લેવામાં આવી છે. ત્રણ રાજ્યોમાં હાર ખાધા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વધારે તાકાત લગાવી દેવામાં આવી છે. જો કે, આ વખતે ભાજપની સ્થિતિ મુશ્કેલરુપ દેખાઈ રહી છે. કેટલાક સ્ટાર પ્રચારકોને પણ ઉતારવામાં આવી શકે છે.