ગુજરાત સરકાર પાઠ્ય પુસ્તક મંડળની પુસ્તકોમાં ભૂલ સામે આવી કોઇ નવી વાત નથી. પહેલાં પણ ઘણીવાર પાઠ્ય પુસ્તકોમાં છબરડા જોવા મળ્યાં છે. ત્યારે આજે ફરી એક છબરડો સામે આવ્યો છે.
રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરાયેલા ધોરણ ૫ અને ૮ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં છબરડા સામે આવી રહ્યાં છે. ધોરણ-૫ના ગણિતના પુસ્તકમાં ગુણાકારની જગ્યાએ ઠ છપાઇ ગયો છે. જ્યારે આઠમા ધોરણના ગણિતના પાઠ્યપુસ્તકમાં ઘાતાંકની જગ્યાએ માઇનસનું ચિહ્ન મૂકી દેવાયું છે. આ ભૂલો સાથે વિદ્યાર્થીઓએ અડધુ સત્ર તો કાઢી નાંખ્યું.
ધોરણ-૫ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં કુલ પાંચ પાનમાં ભૂલો છે. પાન નંબર ૧૦૭, ૧૭૧, ૧૭૮, ૧૭૯, ૧૮૬ પર દર્શાવેલા દાખલામાં ગુણાકારની જગ્યાએ એક્સની નિશાની દર્શાવવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી ડિરેક્ટર આશિષ બોરીસાગરનું કહેવું છે કે, પ્રિન્ટિંગ કે કમ્પોઝની ભૂલો હશે તો પુનઃમુદ્રણ વખતે તેની ચકાસણી કરી સુધારી દેવામાં આવશે.