ભાવનગર જિલ્લાનો એસ.ટી. ડેપો મથક લાંબા સમયથી જર્જરીત હાલતમાં છે. અધુરામાં પુરૂ આ ડેપો દ્વારા ચલાવવામાં આવતી બસો પણ મુસાફરી માટે બિલકુલ યોગ્ય ન હોય તેવી કંડમ હાલતની દોડાવાઈ રહી હોય જેને લઈને મુસાફરો ખાનગી બસો તરફ વળ્યા છે.
રાજ્ય સરકાર તથા એસ.ટી. નિગમ દ્વારા છેલ્લા એકાદ વર્ષ કરતા વધુ સમયથી સૌરાષ્ટ્રના ૪ મહત્વના જિલ્લામાં આવેલ મુખ્ય એસ.ટી. ડેપોને આલા દરજ્જાનું બનાવી મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર વૃધ્ધિ કરશે. અદ્યતન બિલ્ડીંગ સાથોસાથ આરામદાયક મુસાફરી માટે સારી બસો ઉપલબ્ધ કરાવાશે. ડેપોમાં પ્રવાસીઓને પાયાની સવલતો સાથે સમગ્ર સંકુલ ગંદકીથી મુક્ત હશે. સ્વચ્છ મથક આવનાર લોકોને વિદેશના હવાઈ મથક જેવી અનુભૂતિ કરાવશે. આવી વાતોના વડા અને ખોટા આશ્વાસનો એસ.ટી. તંત્ર તથા જવાબદાર અધિકારી આપી રહ્યાં છે. વર્તમાન સમયે ભાવનગર એસ.ટી.ડેપો મથકનું વર્ષો જુનુ બિલ્ડીંગ ગમે ત્યારે તુટી પડે એવી સ્થિતિમાં છે. છાશવારે છત-પિલરમાંથી પોપડા ખરી પડે છે. અત્રે પીવાનું પાણી તો દુર બેસવા માટે સારા બાંકડા કે શૌચક્રિયા અર્થેની કોઈ જ યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. જાહેર યુરીનલમાં પગ મુકવો પણ મુશ્કેલ થઈ પડે તેવી હાલત અહીંના શૌચાલયની છે. જાહેર સાફસફાઈની વાત તો દુર ઠેર-ઠેર મસમોટા કચરાના ઢગલા જોવા મળે તો બીજી તરફ એસ.ટી. તંત્રના કર્મચારીઓ ડેપો મથકમાં સરાજાહેર શૌચક્રિયા કરતા નજરે ચડે. ડેપોમાં રઢીયાર પશુઓ કુતરા પાગલોનો કાયમી અડીંગો તો સુરક્ષા અર્થે તૈનાત પોલીસ કર્મીઓ સારા વારે નજરે ચડે અને ભંગાર બસના કારણે ક્યારે કયો રૂટ કેન્સર થાય તે કહી શકવું પણ મુશ્કેલ લાંબા અંતરના રૂટમાં પણ ઓવરએજ ખખડધજ બસો મહામહેનતે ચલાવવામાં આવી રહી છે. આવી બસો અધવચ્ચે ફોલ્ટમાં આવે તો મુસાફરો ભગવાન ભરોસે…! મુખ્ય અધિકારીમાં કાર્ય નિષ્ઠાના અભાવે કાર્યદક્ષ કર્મચારીઓને પણ કાયમી ધોરણે સહન કર્યા સિવાય કોઈ છુટકો પણ નહીં.
સત્તાવાળ અધિકારીને ડેપો મથકના નવીનીકરણ અંગે પુછતા લાંબા સમયથી રટેલો જવાબ આપે છે કે ટેન્ડર બહાર પડી ચુક્યા છે. ટુંક સમયમાં રીનોવેશનનું કાર્ય હાથ ધરાશે. આ અંગે ખાસ સુત્રો પાસેથી જાણવા મળેલ વિગત મુજબ તાજેતરમાં ભાવનગરના એસ.ટી. ડેપોનું નવનિર્માણ હાથ ધરવામાં આવનાર હતું પરંતુ મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટના એસ.ટી. ડેપોને અગ્રતા આપી ભાવનગરને હંમેશા મુજબ અન્યાયનો કડવો ઘુંટડો ધરી દેવામાં આવ્યો છે.