ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર દ્વારા પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ખગોળ વિજ્ઞાનને સમાજ ઉપયોગી બનાવી તેના પ્રત્યે લોક જાગૃતતા લાવવા હેતુ છેલ્લા ૧૬ વર્ષથી વિવિધ અદભુત ખગોળીય ઘટનાને ટેલીસ્કોપની મદદથી લોકોને દેખાડવાના કાર્યક્રમો કરવામાં આવે છે.
માનવી પોતાના ઉદ્દભવ સાથે જ ખગોળીય ઘટનાઓ અને તેના રહસ્યો વિષે જાણવા આતુર રહ્યો છે. બ્રમ્હાંડમાં બનતી ખગોળીય ઘટનાઓ પૈકીની એક એટલે ધૂમકેતુનું પૃથ્વીની નજીકથી પસાર થવું. આગામી તા.૧૬ ડીસેમ્બરના રોજ કોમેટ ૪૬/પી વિરાટનેન પૃથ્વીથી ૧૧,૫૮૦,૦૦૦ કિલોમીટરના અંતરેથી પસાર થશે. જે વર્ષ ૧૯૫૦ પછી પૃથ્વીની સૌથી નજીકના અંતરેથી પસાર થશે. આ ધૂમકેતુ દર ૫.૪ વર્ષે પૃથ્વીની સફર કરે છે. જે આ વર્ષનો સૌથી તેજસ્વી ધૂમકેતુમાનો એક છે. આ ધૂમકેતુ તીમીલીંગ અને વૈતરણી તારામંડળની વચ્ચેથી પસાર થશે.જે સંધ્યા બાદ પૂર્વ દિશાએથી જોઈ શકાશે.
કોમેટ ૪૬/પી વિરાટનેનને ટેલીસ્કોપ દ્વારા નિહાળવા માટે તા.૧૬/૧૨/૨૦૧૮ને રવિવારના રોજ કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા કાર્યરત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ મારફત તખ્તેશ્વર મંદિર, ભાવનગર ખાતે સાંજે ૭ઃ૦૦ કલાક થી ૯ઃ૦૦ કલાક સુધી વ્યવસ્થા કરવામાં આવનાર છે. ઉપરાંત ડાર્ક સ્કાયમાં નિહાળવા માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાનગર દ્વારા આયોજન કરવમાં આવેલ છે. ભાવનગરના જાણીતા ખગોળપ્રેમી પ્રો. સુભાષભાઈ મહેતા દ્વારા વિવિધ ધૂમકેતુઓ અને કોમેટ ૪૬/પી વિરાટનેન વિશે વધુ માહિતી આપવામાં આવશે.