સપ્ટેમ્બર ૨૦૨૦મા યોજાનારા એશિયા કપની યજમાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મળી છે. બીસીસીઆઈએ પાકિસ્તાનને કહ્યું કે, તે આ ટૂર્નામેન્ટના આયોજન સ્થળમાં ફેરફાર કરે. ગુરૂવારે ઢાકામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈ દ્વારા આ સંદેશ પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો.
ભારતને એશિયા કપ ૨૦૧૮ની યજમાની મળી હતી પરંતુ ત્યારબાદ ટૂર્નામેન્ટને યૂએઈમાં શિફ્ટ કરવામાં આવી હતી. હવે પાકિસ્તાનને પણ તે માટે કહેવામાં આવી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોમાં આવેલા તણાવ બાદ બીસીસીઆઈ કોઈ ટૂર્નામેન્ટમાં ભારતના ખેલાડીઓને પાકિસ્તાનમાં રમવા માટે મોકલતું નથી. જેથી આ વખતે પણ ભારતે ટૂર્નામેન્ટ શિફ્ટ કરવાની વાત કરી છે. તેવામાં લાવી રહ્યું છે કે, ૨૦૨૦ની ટૂર્નામેન્ટ પણ યૂએઈમાં શિફ્ટ કરવામાં આવશે.
સત્તાવાર રીતે પાકિસ્તાન કહી રહ્યું છે કે, તેના દેશમાં ક્રિકેટ રમવું સુરક્ષિત છે. પરંતુ ટૂર્નામેન્ટની શરૂઆતમાં હજુ ઘણો સમય છે અને પાકિસ્તાનને સ્થિતિ સુધરવાની આશા છે. પરંતુ બીજીતરફ ભારત ઝુકવા માટે તૈયાર નથી. પાકિસ્તાને અંતે બીસીસીઆઈની માંગ પર નમતુ આપવું પડે તેમ છે. આ પહેલા બીસીસીઆઈએ સુરક્ષા કારણોથી એસીસીની એજીએમ માટે લાહોરમાં પોતાનો પ્રતિનિધિ મોકલવાની ના પાડી દીધી હતી.
આ પહેલા ઢાકામાં યોજાયેલી એશિયા ક્રિકેટ કાઉન્સિલ બેઠકમાં તેના પર નિર્ણય લેવામાં આવ્યો કે, એશિયા કપની યજમાની પાકિસ્તાનને આપવામાં આવે. એસીસી અધ્યક્ષ નજમુલ હસને કહ્યું, ૨૦૨૦ એશિયા કપ પાકિસ્તાનમાં યોજાશે. તે યજમાન છે, તેથી તેનું આયોજન ક્યાં કરવું તે અમને જણાવશે.