વલસાડના વાગલધરા નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારનાં ૪ લોકોનાં મોત થયા. જ્યારે ાજ, બે લોકો ઈજાગ્રસ્ત થયા. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર પારડીમાં લગ્ન પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યો હતો. જેમાં લાડકોઢથી લાવેલી દુલ્હન જ કાળનો કોળિયો બની છે. તો બીજી તરફ, વરરાજા પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના બીલીમોરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વલસાડના ડુંગરી નજીક રોલા ગામે લગ્ન પતાવીને ઘરે પરત ફરી રહેલા રાણા પરિવારને અકસ્માત નડ્યો હતો. લગ્નથી ઘરે વહુ અને દીકરાને લઈને આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ તમામ લોકો પારડી લગન પતાવી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.
કાર ડિવાઈડર તૂટીને ટેમ્પોમાં અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના બોનેટનો કૂચડો બોલાઈ ગયો હતો. આસપાસ જોનારા લોકોમાં પણ અકસ્માતને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. કારમાં સવાર ચાર લોકોને ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જેમાં ખુદ દુલ્હન પણ હતી. મહેંદી લગાવીને સાત ફેરા ફરનાર ૨૪ વર્ષની નવવધૂ ચૈતાલી મહેશભાઈ રાણાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો વરરાજા ચિરાગ અમરતભાઈ રાણા પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. વરરાજા સહિત અન્ય ચાર લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.