મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટૂંણા – કંડલા બંદરેથી જીવિત પશુઓની નિકાશ તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે તાત્કાલિક બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પશુઓની હેરફેર અંગેના નિયમો જયાં સુધી નહીં પાડવામાં આવે ત્યાં સુધી ગુજરાતમાંથી કોઈપણ જીવિત પશુની નિકાસ કરવા દેવામાં આવશે નહીં આ અંગે કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુને પત્ર લખી જાણ કરાઈ છે તેમજ કસ્ટમ વિભાગને પણ સર્ટીફીકેટ ઈસ્યુ નહીં કરવા અંગે જાણ કરાઈ છે તથા જરુરી નોટીફીકેશનો તાત્કાલિક બહાર પાડવામાં આવ્યા છે.
તાજેતરમાં જીવતા પશુઓની નિકાસ સંદર્ભે ભારત સરકાર અને એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ પ્રસિધ્ધ કરેલી સૂચનાઓને અનુલક્ષીને જયાં સુધી ગુજરાતમાં આ માર્ગદર્શિકા પ્રમાણેના ધારા-ધોરણો ન સંતોષાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી જીવિત પશુઓની નિકાસ થઈ શકશે નહીં તેવી પશુ જીવદયા પ્રતિબધ્ધતા તેમણે વ્યકત કરી છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય વાણિજય મંત્રી સુરેશ પ્રભુને આ અંગે પત્ર પાઠવીને જણાવ્યું છે કે આ માર્ગદર્શિકાને અનુલક્ષીને રાજય સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવતી લોકલ સર્ટીફીકેશનની મંજુરી નવા નિયમોને કારણે અર્થહિન બની ગઈ છે.
કેન્દ્રીયમંત્રીને મુખ્યમંત્રીએ આ પત્રમાં એવી વિનંતી પણ કરી છે કે જયાં સુધી કવોરેન્ટાઈન સ્ટેશન અને સર્ટીફીકેશનની સુવિધાઓ ઉપલબ્ધ ન થાય તે દરમ્યાન પશુઓની કંડલા બંદરેથી નિકાસની પરમીટ બંધ કરવામાં આવે. આ ઉપરાંત ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઓફ એનીમલ રૂલ્સ ૧૯૭૮ અને ધ પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ ૧૯૬૦ ની જોગવાઈઓના ચુસ્તપણે પાલન અને પશુઓના પરિવહન અંગે આંતર રાષ્ટ્રીય ધોરણોના પાલન અંગેનું મીકેનીઝમ પર્યાપ્ત માત્રામા ઉપલબ્ધ થાય. તે દરમ્યાન આ કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવા પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે. તદઉપરાંત તૃણા પોર્ટ પરથી ગેરકાયદેસર રીતે પશુઓની નિકાસ ન થઈ શકે તે હેતુથ ગૃહ વિભાગ દ્વારા તાકીદના ધોરણે એક ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ પર પોલીસ તંત્ર દ્વારા ર૪ ટ૭ નિગરાની રાખીને કોઈપણ જીવિત પશુની નિકાસ નહીં થવા દે.
રાજય સરકારના નોટીફીકેશન અન્વયે રાજયના તમામ જિલ્લામાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં સ્થપાયેલ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિને કોઈપણ પ્રકારના પ્રાણી ક્રૂરતાના કિસ્સામાં ઈવેન્સન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એકટની જોગવાઈઓ અનુસાર સઘન કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીયમંત્રીને પાઠવેલા આ પત્રમાં ભારત સરકાર તરફથી આ સમગ્ર બાબતે ત્વરીત દરમ્યાન થઈને નિવારણ લાવવા અનુરોધ કર્યો છે. ટૂંણા કંડલા પોર્ટ ખાતે કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટને પણ જયાં સુધી ભારત સરકાર તરફથી યોગ્ય દીશા નિર્દેશો ન મળે ત્યાં સુધી આવી નિકાસ ન કરવા દેવા સૂચનાઓ આપવામાં આવી છે.