દક્ષિણ, પૂર્વ-પૂર્વોતરમાં મોદી ઝંઝાવતી પ્રચાર કરશે

683

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા રાજ્યો ભાજપના હાથમાંથી નિકળી ગયા બાદ હવે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહે હારમાંથી બહાર નિકળીને નવી આક્રમક યોજના પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે કમર કસવાની શરૂઆત કરી દીધી છે. હિન્દી પટ્ટામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ભાજપે દક્ષિણ, પૂર્વ અને પૂર્વોતર રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. જે રાજ્યોમાં ક્યારેય જીત થઇ નથી તેવા રાજ્યો પર ભાજપે ધ્યાન આપ્યુ છે. આ હેતુ સાથે મોદી કેરળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, , તેલંગણા, આંધ્રપ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોતર રાજ્યોમાં ઝંઝાવતી પ્રચાર કરનાર છે. આ તમામ જગ્યાએ બે ડઝનથી વધારે રેલી કરનાર છે. આ વિસ્તારમાં લોકસભાની ૧૨૨ સીટો રહેલી છે.  પાર્ટી વડા અમિત શાહે ગુરૂવારના દિવસે કેન્દ્રિય હોદ્દેદારો, રાજ્યોના વડા અને સંગઠન મહાસચિવો સાથે બેઠક યોજી હતી. આ બઠકમાં અમિત શાહે કહ્યુ હતુ કે હારને લઇને ચિંતા કરવાની જરૂર નથી. સુત્રોના કહેવા મુજબ શાહે નેતાઓને કહ્યુ હતુ કે આ સંદેશનુ સન્માન કરવાની જરૂર છે. શાહે કહ્યુ હતુ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય જગ્યાએ જે વોટ મળ્યા છે, તે દર્શાવે છે કે લોકોનો વિશ્વાસ ભાજપ પર અકબંધ છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા હવે મોદી ફરી એકવાર વર્ષ ૨૦૧૩-૧૪ના ચૂંટણી મોડમાં આવનાર છે. આગામી સપ્તાહની શરૂઆતથી મોદી તમામ રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની શરૂઆત કરનાર છે. ભાજપે જ્યાં ક્યારેય જીત મેળવી નથી તેવા રાજ્યો પર પણ ધ્યાન આપવામાં આવનાર છે. દક્ષિણ ભારતના રાજ્યો, ઓરિસ્સા, બંગાળ અને આસામમાં મોદી પ્રચાર કરનાર છે. પાર્ટી પ્રચાર રૂપે શરૂઆતી તબક્કામાં ૧૨૨ સીટો પર ધ્યાન આપશે. જાન્યુઆરીના અંત સુધી પ્રચાર ચાલશે. એક જનસભા મારફતે પાંચ સીટોને આવરી લેવામાં આવનાર છે.

આ યાદીમાં પ્રથમ તબક્કા રૂપે આંધ્રપ્રદેશ અને તેલંગણાની બે બે સીટો, આસામની સિલ્ચર અને ડિબ્રુગઢ સીટ, કેરળની ૧૭થી ૧૮ સીટો, તમિળનાડુ, ઓરિસ્સા, અને બંગાળની ૪૨ પૈકી ૪૦ સીટો સામેલ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વોતરની એવી સીટોની પસંદગી કરવામાં આવી છે જ્યાં હજુ સુધી ભગવો લહેરાયો નથી. મોદી હવે ફરી તેમના જુના આક્રમક તેવરમાં આવશે અને જોરદાર રીતે પ્રચાર મેદાનમાં ઉતરનાર છે. કાર્યકરો પણ હાલની હારને ભુલી જઇને જોરદાર દેખાવ કરવા માટેની તૈયારીમાં છે. મોદી હવે ટુંક સમયમાં તેમના કાર્યક્રમની જાહેરાત કરનાર છે.મોદીની સાથે અન્ય સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. લોકસભાની ચૂંટણીમાં મોદી હવે તમામ તાકાત લગાવી દેવાના મુડમાં આવનાર છે. કાર્યકરોનો ઉત્સાહ પણ વધારશે.

Previous articleનેપાળમાં ભારતની ૨૦૦,૫૦૦,૨૦૦૦ના મૂલ્યવાળી નોટો પર પ્રતિબંધ
Next articleમધ્યપ્રદેશ : મુખ્યમંત્રી તરીકે ૧૭મીએ કમલનાથના શપથ