લોકસભાની ચૂંટણીનાં હવે ભણકારા વાગી રહ્યા છે. ગુજરાત સરકારે આદિવાસીઓને રિઝવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં વનબંધુઓના વિકાસ અને જીવન ધોરણમાં વૃધ્ધિના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
વિજય રૂપાણીએ રાજ્યમાં ૧૯૬ ફોરેસ્ટ વિલેજને રેવન્યુ વિલેજ બનાવવામાં આવેલા છે તેનું રેવન્યુ રેકર્ડ એક માસમાં તૈયાર કરી દેવાની પણ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આદિજાતિ ખાતેદારોની જમીનની માલિકીનો વિસ્તાર નાનો હોવાથી એવો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે બ્લોક / સર્વે નંબરના આદિજાતિ ખાતેદારને ૪ એકર જમીન હોય તો પણ બીજું વીજ જોડાણ આપવામાં આવશે.
રાજ્યમાં વધારાનું ખેતી વિષયક વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવીછે.
મુખ્યમંત્રીએ આદિજાતિ પરિવારોના બાળકો સેપ્ટ, રક્ષાશકિત, ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થામાં અભ્યાસ કરી શકે તે માટે આવી યુનિવર્સિટી અને સંસ્થાઓમાં અભ્યાસ કરતા આદિજાતિ વિદ્યાર્થીઓને પણ અનૂસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ધોરણે જ શિષ્યવૃત્તિ સહાય અપાશે.
જે આદિજાતિ પરિવારો-વ્યકિતઓ ખેતી કરે છે તેવા અસરગ્રસ્તોને તેમની પેદાશોને ટેકાના ભાવનો લાભ આપવા ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ એક મહિનામાં કાર્યવાહી કરશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો હતો.