રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતના ભાગરુપે નર્મદા કેવડિયા કોલોની પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિનું સાધુબેટ હેલિપેટ ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અહીંથી સીધા જ વેલી ઓફ ફ્લાવર જઈ સરદાર પટેલની સ્મૃતિમાં વૃક્ષારોપણ કરશે અને ત્યારબાદ ફ્લાવર શો નિહાળ્યો હતો. સાથે જ વૉલ ઓફ યુનિટી નજીક પ્રાર્થનાસભામાં પણ ભાગ લીધો હતો. વિશ્વની વિરાટતમ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમણે કેવડિયા ખાતે ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રેલવે સ્ટેશનનું ખાત મૂહુર્ત કર્યુ હતું. કેવડીયામાં બનનાર દેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદે ભૂમિ પૂજન કર્યું હતું.
રેલવે સ્ટેશનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે. સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે. નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જેથી પ્રવાસીઓ વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં ૧૮ કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને ૩૨ કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે.
ગ્રીન રેલવે સ્ટેશનનું ડેમો સ્ટ્રકચર ખાતમુર્હૂત સ્થળે મુકવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ કોવિંદ ભૂમિપૂજન બાદ જાહેરસભાને સંબોધી. આ જાહેરસભાનાં કાર્યક્રમમાં ટોચનાં તમામ અગ્રણીઓ હાજરી આપી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી, રેલ મંત્રી પિયુષ ગોયલ સહિત દિગ્ગજો જાહેરસભાને સંબોધી. જોકે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમને લઇને થોડાક સમય માટે અન્ય પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ બંધ રહ્યું હતું.
ભારતની પ્રથમ અને વિશ્વની ત્રીજી રેલવે યુનિવર્સિટીનું વડોદરા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું છે. લાલબાગ વિસ્તાર ખાતેના રેલવે સંસ્થાન ખાતે આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રેલવેની પહેલી યુનિવર્સિટી વડોદરામાં સ્થાપવામાં આવી છે. જેમાં હવે રેલ વ્યવહાર, રેલવે વિષયમાં રિસર્ચનો અભ્યાસક્રમ શીખવાડાશે. આ સંસ્થાન ૫૫ એકરના પરિસરમાં ફેલાયેલું છે.
૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ રેલવે યુનિવર્સિટીમાં ૨૦ રાજ્યના ૧૦૩ વિદ્યાર્થીઓની પહેલી બેચ શરૂ થઈ ચૂકી છે. ૧૦૩ વિદ્યાર્થીઓને આઈ.આઈ.ટી. મદ્રાસ, આઈ.આઈ.ટી મુંબઇ દ્વારા શિક્ષણ અપાશે. આ પ્રસંગે રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, આજે ૧૩ લાખ લોકો રેલવેના એમ્પ્લોય છે. તેઓ તમામને દર વર્ષે એક અઠવાડિયાની પ્રેક્ટિસ આપવી જોઈએ. મંત્રીથી લઇ રેલવેના ઉપરથી લઇ નીચે સુધીના તમામ લોકોએ રેલવેનો સતત અભ્યાસ કરવાની જરૂર છે. આપણે બધાએ ભેગા થઈ રેલવેને નવી રેલવે બનાવવાની છે. આપણે બધાએ સહિયારો પ્રયાસ કરવો પડશે. મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રેલવે હવે આગળ વધશે. વડાપ્રધાને હાઇસ્પીડ રેલની વાત કરી. બુલેટ ટ્રેનનો પણ વિરોધ થયો. આપણા વડાપ્રધાનનું વિઝન ભારતને વિશ્વ શક્તિ બનાવવાનું છે. ભારતીય રેલવે મોર્ડન બની રહી છે. આપણે ભારત રેલવે વિશ્વની મોર્ડન રેલ યોજના બનાવીશું. રેલવેને વિશ્વ સ્તરે પહોંચાડીશું.
મને વિશ્વાસ છે કે, દેશમાં રેલવે, એરલાઇન્સથી આખા દેશને જોડવાની પીએમ નરેન્દ્ર મોદીની કામગીરી યોગ્ય અને સરાહનીય છે. દેશની વિચારધારા બદલાઈ રહી છે. મોદીજીએ નવી વિચારધારા શરૂ કરી છે. જેમાં ટેકનોલોજી અને ઈમાનદારીનો રોલ બહુ મોટો છે. નવા આઈડિયાને કારણે દેશમાં બદલાવ આવ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નવિન યુનિવર્સિટીનું બિલ્ડીંગ આવેલુ છે. આ યુનિવર્સિટીને પાંચ વર્ષના પ્રોજેકટ અંતર્ગત ૪૨૧ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રેલવે યુનિવર્સિટીની પ્રથમ બેચમાં ૨૦ રાજ્યોમાંથી આવેલા ૧૦૩ વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. જેમાં ૮૬ વિદ્યાર્થીઓ અને ૧૭ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. બીએસસી ઇન ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી અને બીબીએ પ્રોગ્રામ ઇન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ જેવા બે અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામથી શરૂઆત થશે. આગામી ૨૦૧૯-૨૦માં યુનિવર્સિટી દ્વારા માસ્ટર્સ પ્રોગ્રામ પણ શરૂ કરવાનું લક્ષ્ય છે.