દહેગામ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોએ ગાંધીનગર તરફ કૂચ કરી છે. ખેડૂતોને સિચાંઈના પાણીનો અભાવ પડી રહ્યો હોવાનો આક્ષેપ તેઓએ કર્યો છે. તેઓએ દહેગામને અછતગ્રસ્ત જાહેર કરવા પણ માંગ કરી છે. આ ઉપરાંત દહેગામ તાલુકાને ગાંધીનગર જિલ્લામાં સમાવવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામના દૂધ ઉત્પાદકોના દૂધની ખરીદી ન કરતુ હોવાનો આક્ષેપ પશુપાલકોએ લગાવ્યો છે. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ વિવિધ મુદ્દાઓ પર રાજ્ય સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
રાષ્ટ્રીય કિસાન પરિષદ અને ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ યોજાયો છે.
દહેગામ તાલુકાનો ગાંધીનગર જિલ્લામાં સમાવેશ થવા છતાં ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દહેગામ તાલુકાનું દૂધ લેતુ નથી. જેથી પશુપાલકોની રોજગારી છીનવાઈ છે.
વર્ષ ૧૯૯૭થી મુદ્દો પડતર છે. હજુ પણ અમદાવાદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે જ દહેગામનું જોડાણ છે. જેને પગલે દહેગામના પશુપાલકોને ઓછા ભાવ મળતા ૩૦ કરોડનું નુકસાન થાય છે. તો બીજી તરફ, ખેતીમાં સિંચાઇના પાણીના અભાવે ખેડૂતોની કફોડી હાલત બની છે. ત્યારે ખેડૂતોએ તળાવો ભરી સિંચાઇનું પાણી આપવા માંગ કરી છે અને દહેગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ છે. દહેગામ સિવાય આસપાસના ગામોમાં ઓછો વરસાદ પડ્યો હોવાની રજૂઆત કરાઈ છે.