અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગરિમામય ઉપસ્થિતિમાં સરદાર સ્મરણાંજલિ પ્રાર્થના સભા યોજાઈ હતી. પ્રાર્થના સ્થળે રાષ્ટ્રપતિશ્રીએ તેમના ધર્મપત્ની સવિતાદેવી સાથે સરદાર સાહેબની તસ્વીરને ફૂલો અર્પણ કરી સાદર ભાવાંજલિ આપી હતી. સરદાર પટેલના વંશજો ભુપેન્દ્રભાઈ પટેલ, અતુલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સુપ્રસિદ્ધ ગાયક હેમંત ચૌહાણ અને ગાર્ગી વોરાએ ’વૈષ્ણવજન તો તેને રે..’ જેવા સુપ્રસિદ્ધ ભજનોની સુમધુર સુરાવલીઓ રેલાવીને સરદાર પટેલને અંજલિ અર્પી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સરદાર સાહેબના જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝિયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રપતિએ પ્રતિમાની ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર ડેમ અને ફલાવર વેલી સહિત કેવડિયા વિસ્તારની નૈસર્ગીક આહલાદકતાનો નઝારો માણ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રપતિશ્રીને ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ બાબતેની વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિને સરદાર પટેલના જીવન ચરિત્રની બુક અને સરદાર સાહેબની પ્રતિમા સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ, પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ અને મુખ્ય સચિવ જે.એન.સિંહ, સાંસદ સર્વ મનસુખ વસાવા અને રામસિંહ રાઠવા, નારણભાઇ રાઠવા, નર્મદા નિગમના ચેરમેન રાઠોડ સહિત મહાનુભાવો પણ જોડાયા હતા.